- વેજલપુરમાં રહેતા બેન્ક મેનેજર છેતરપિંડીનો શિકાર બન્યા, પત્ની સહિત આઠ સાસરિયા સામે ફરિયાદ
- લગ્ન બાદ સંતાન ન થતા યુવક તેની પત્નીને લઇને ડોકટર પાસે ગયો હતો.
- યુવકના પરિવારજનોએ પરિણીતાની ઉંમર માટે અવારનવાર તેના માતા-પિતા પાસે ડોક્યુમેન્ટ માંગ્યા હતા
વેજલપુરમાં બેન્ક મેનેજર યુવકે કાલુપુરની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંતાન ન થતા યુવક તેની પત્નીને લઇને ડોકટર પાસે ગયો હતો. ડોકટરની તપાસમાં તે મોટી ઉંમરની હોવાનું અને ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું.
બેન્ક મેનેજર કરતા પત્ની સાત વર્ષ મોટી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે બેન્ક મેનેજરે પત્ની સહિત આઠ લોકો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેજલપુરમાં રહેતા 34 વર્ષીય યુવક ખાનગી બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે લગ્ન માટે મેરેજ બ્યુરોમાં નોંધણી કરાવી હતી. ગત 2 મે, 2023માં તેમના માતા-પિતા ઘરે હતા તે સમયે એક યુવતીનો ભાઇ તેમના ઘરે આવ્યા હતા. તેણે બેન્ક મેનેજરના પિતાને જણાવ્યું હતું કે, ‘તમારા પુત્રનો બાયોડેટા અમને પસંદ આવ્યો છે અને હું મારી બહેનના લગ્ન માટે માંગુ લઇને આવ્યો છું.’ ત્યારબાદ બંને પરિવારો વચ્ચે વાતચીત થયા બાદ બેન્ક મેનેજરના યુવતી સાથે જૂન 2023માં લગ્ન થયા હતા. લગ્નના દિવસે યુવતીના પરિવારજનોએ યુવતીના ડોક્યુમેન્ટમાં સ્કુલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ લગ્નની નોંધણી માટે આપી હતી. લગ્નને લાંબો સમય થવા છતા પરિણીતાને સંતાન ન થતા પરિવારજનો ડોકટર પાસે ગયા હતા. ડોકટરે સોનોગ્રાફી કરતા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પરિણીતાની ઉંમર 40થી 42 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુવતીના સાસરિયાઓએ તપાસ કરતા તેણે બે ડોકટરો પાસે ચેકઅપ કરાવતા તમામ રિપોર્ટ સરખા આવ્યા હતા. તેમજ તપાસ કરતા પરિણીતાની જુદી-જુદી ઉંમર બતાવાઈ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તેને ગાયનેક પ્રોબ્લેમ હોવાનું પણ સામે આવ્યું હતું. આ અંગે બેન્ક મેનેજરે પત્ની સહિત આઠ લોકો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીના પરિવારજનોએ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી હતી
યુવકના પરિવારજનોએ પરિણીતાની ઉંમર માટે અવારનવાર તેના માતા-પિતા પાસે ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પરંતુ તેઓ ડોક્યુમેન્ટ આપવા મામલે ગલ્લાં-તલ્લાં કરતા હતા. બીજી તરફ્ મેનેજરે બંને સાળા પાસે ડોક્યુમેન્ટ માંગતા પાસપોર્ટ અને સ્કૂલ લિંવિંગ સર્ટિફિકેટ આપ્યા હતા. જે ડોક્યુમેન્ટમાં છેડછાડ થઇ હોવાની મેનેજરને જાણ થતા તેમણે ફરીથી સાળાઓની પૂછપરછ કરતા પરિણીતા ઉંમર જણાવાયા કરતા સાત વર્ષ મોટી હોવાનો ખુલાસો થયો હતો.


