- યાના મીરને યુકેની સંસદ દ્વારા આયોજિત ‘રિઝોલ્યુશન ડે’માટે આમંત્રણ આપવામાં આવ્યું
- યાના મીરને ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
- કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે: યાના મીર
કાશ્મીરી મહિલા પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેનું કહેવું છે કે તે પાકિસ્તાની કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ નથી. તેથી તેમની સરખામણી મલાલા સાથે ન કરવી જોઈએ. તે પોતાના દેશમાં (ભારત) સંપૂર્ણપણે સુરક્ષિત છે. મીર કહે છે કે કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ દરમિયાન તેમણે કાશ્મીરના યુવાનોના વિકાસમાં ભારતીય સેનાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
UKમાં આયોજીત ‘રિઝોલ્યુશન ડે’માં ભાગ લીધો
યાના મીરને યુકેની સંસદ દ્વારા આયોજિત ‘રિઝોલ્યુશન ડે’માં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં તેમને જમ્મુ અને કાશ્મીરમાં વિવિધતાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા બદલ ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશેષ કાર્યક્રમમાં બ્રિટિશ સંસદ સહિત અન્ય દેશોની 100 જેટલી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો, યાના મીર પણ તેમાંના એક હતા.
હું મલાલા યુસુફઝાઈ નથી
ખાસ કાર્યક્રમમાં મીરના વક્તવ્યની સૌએ પ્રશંસા કરી હતી. તેણે ભાષણ દરમિયાન કહ્યું, ‘હું મલાલા યુસુફઝઈ નથી. હું ભારતમાં સ્વતંત્ર અને સુરક્ષિત અનુભવું છું. હું મારી માતૃભૂમિ કાશ્મીરમાં સુરક્ષિત છું, જે ભારતનું અભિન્ન અંગ છે. મારે ક્યારેય મારો દેશ છોડીને બીજા દેશમાં આશ્રય લેવાની જરૂર નહીં પડે.
મીરે આગળ કહ્યું, ‘હું ક્યારેય મલાલા યુસુફઝાઈ નહીં બની શકું. જો કોઈ મારી માતૃભૂમિને બદનામ કરવાનો પ્રયાસ કરે તો મને દુઃખ થાય છે. મને એવા લોકો સામે વાંધો છે જેમણે ક્યારેય કાશ્મીરની મુલાકાત લીધી નથી અને કાશ્મીર વિશે જાણ્યા વિના ખોટી સ્ટોરીઓ કહે છે.
ધર્મના નામે અમારે દેશને વિભાજીત ના કરો
હું દરેકને વિનંતી કરું છું કે ધર્મના નામે આપણા દેશને વિભાજિત કરવાનું બંધ કરો. અમે કોઈને પણ આની મંજૂરી આપવા માંગતા નથી. પ્રોપોગેન્ડા ફેલાવવાનું બંધ કરો. મને આશા છે કે પાકિસ્તાન અને બ્રિટનમાં રહેતા ભારત વિરોધી લોકો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચ પર ભારતને બદનામ કરવાનું બંધ કરશે. યાના મીરે આંતરરાષ્ટ્રીય મીડિયાને પણ આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું કે બ્રિટનના લિવિંગ રૂમમાંથી સમાચાર જાહેર કરીને ભારતની એકતાને તોડવાનું બંધ કરવું જોઈએ. મારી માતૃભૂમિની ઘણી મહિલાઓએ આતંકવાદને કારણે પોતાના બાળકો ગુમાવ્યા છે. અમને શાંતિથી જીવવા દો.
કોણ છે યાના મીર?
યાના મીર કાશ્મીર, ભારતના છે. તેઓ વ્યવસાયે પત્રકાર છે. આ ઉપરાંત તેઓ સામાજિક કાર્યકર પણ છે. તેઓ કાશ્મીરની પ્રથમ મહિલા બ્લોગર છે. યાના મીરે ભારત એક મીડિયા ચેનલમાં સિનિયર એન્કર તરીકે પણ કામ કર્યું છે. યાના મીરને રાજકારણમાં ખૂબ રસ છે.


