શિયાળો શરૂ થતાં જ, બજારમાં ક્રિસ્પી અને ગરમ મગફળી વેચાતી જોવા મળશે. ઠંડીના દિવસોમાં મગફળીનો વિવિધ પાકમાં ઉપયોગ થાય છે. તમને મગફળી ખાવાની તક કયારેય ના ગુમાવવી જોઈએ. કારણ કે મગફળીનું સેવન શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરે છે. એટલે દરરોજ કેટલી મગફળી ખાવી જોઈએ, તેની અસરો અને તેને ખાવાના સ્વાસ્થ્ય લાભો જાણવું મહત્વપૂર્ણ છે.
મગફળી ખાવાથી સ્વાસ્થ્ય પર અસર
શિયાળામાં ઠંડીના કારણે શરીર સુસ્તી અનુભવે છે. શરીરને ગરમ રાખવા માટે આ દિવસોમાં ગરમ ખોરાકનું સેવન કરવું જોઈએ. શિયાળામાં ગરમ પીણાં અને ખોરાક ઉપરાંત મગફળી ખાવાથી પણ ફાયદો થાય છે, કારણ કે તે ગરમ હોય છે. તેનું સેવન કરવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને પુષ્કળ ઉર્જા મળે છે. ચેપ અટકાવવા માટે, ગરમ થવાની અસર અને સમૃદ્ધ પોષણ ધરાવતા ખોરાકનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. તેથી, શિયાળા દરમિયાન શરીર માટે ગરમી, શક્તિ અને ગુણવત્તાયુક્ત પ્રોટીન જરૂરી છે, અને મગફળી ત્રણેય પ્રદાન કરે છે.
પોષકતત્વોથી ભરપૂર મગફળીના ફાયદા
મગફળી એક સસ્તું અને ખૂબ જ પૌષ્ટિક સુપરફૂડ છે. આયુર્વેદમાં મગફળીને ઔષધીય વનસ્પતિ માનવામાં આવે છે. તે સ્વસ્થ ચરબી, પ્રોટીન, કેલરી, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ઇ સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર છે. તેનું સેવન શરીરને રોગ સામે લડવા માટે તૈયાર કરે છે. મગફળી વાત દોષને સંતુલિત કરે છે અને હાડકાં અને સ્નાયુઓને સુધારવામાં મદદ કરે છે. તે હૃદય માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે, બળતરા ઘટાડે છે અને પાચનમાં સુધારો કરે છે. એકંદરે, મગફળીમાં ઘણા ફાયદાકારક ગુણધર્મો છે, જે ઊર્જા અને પોષણ બંને પ્રદાન કરે છે. તે પ્રોટીનનો સારો અને સસ્તો સ્ત્રોત પણ છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી મગફળી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. વજન ઘટાડવું હોય કે વધારવું હોય, મગફળી મદદરૂપ થાય છે. મગફળી ત્વચા અને મગજ માટે પણ ફાયદાકારક છે. મગફળીમાં રહેલ વિટામિન બી-12 અને સ્વસ્થ ચરબી મગજને પોષણ આપે છે.
લાભ માટે મગફળી ખાવાની જાણો સાચી રીત
મગફળી એક એવું ડ્રાયફ્રૂટ છે જેને તમે કયારેપણ ખાઈ શકો છો. પરંતુ સારા સ્વાસ્થ્ય લાબ માટે સવારે અને સાંજે મગફળી ખાવી જોઈએ. જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે રાત્રે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. ગોળ મગફળી ખાવાથી હાડકાં વધુ મજબૂત થાય છે. સાબુદાણાની ખીચડી અને અન્ય વાનગીઓમાં મગફળી ઉમેરીને ખાઈ શકો છો. તમે મગફળીમાંથી લોટ અને તલ ઉમેરીને ચુરમા પણ બનાવી શકો છો. તેમજ બાળકોને મગફળીની ચિકી અને સુખડી પણ આપી શકો છો. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


