- જિલ્લામાં 1,619 નવી રોજગારીનું સર્જન થશે
- સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારના લોકોને નવી રોજગારી મળવાનું શરૂ
- ગુરૂવારે વાયબ્રન્ટ સુરેન્દ્રનગરનું ઉદ્દઘાટન કરાયુ હતુ
સુરેન્દ્રનગરના પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે તા. 12 અને 13 ઓકટોબરના રોજ ર દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ સુરેન્દ્રનગરનું આયોજન કરાયુ છે. જેમાં ર દિવસમાં સૌથી વધારે રકમના એમ.ઓ.યુ. કરનાર ધ્રાંગધ્રાના પટેલ પરીવાર સહિત 20 કંપનીઓ સાથે રૂ. 858 કરોડના એમઓયુ થયા છે. જેના થકી 1619 જેટલી નવી રોજગારીનું સર્જન થનાર છે. ગુરૂવારે વાયબ્રન્ટ સુરેન્દ્રનગરનું ઉદ્દઘાટન કરાયુ હતુ. જેમાં ઉદ્યોગપતિઓએ એમઓયુ સાઈન કર્યા હતા.આમ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારના લોકોને નવી રોજગારી મળવાનું શરૂ થશે.
રાજયમાં વેપાર, ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમીટને 20 વર્ષ પુરા થયા છે. જેના ભાગરૂપે રાજય સરકારે સમગ્ર રાજયના 33 જિલ્લાઓમાં વાઈબ્રન્ટ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત આજે ગુરૂવારે તા. 12 અને 13ને શુક્રવાર એમ ર દિવસ પંડીત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમ યોજાનાર છે. ગુરૂવારે વાયબ્રન્ટ સમીટનું ઉદ્દઘાટન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ચૌહાણ સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉદ્દઘાટન બાદ અધિકારીઓ અને પદાધીકારીઓએ વીવીધ 40 સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ મૌસમ અથાણાનો રાજુભાઇ પંજવાણીનો સ્ટોલ પણ હતો. જેની મુલાકાત મંત્રીએ લીધી હતી. અહીં બારેમાસ ખાવા લાયક વિવિધ જાતના અથાણા અહીં મુકવામાં આવ્યા હતા. આ વાયબ્રન્ટ દરમિયાન સુરેન્દ્રનગરમાં ર દિવસમાં વીવીધ 20 કંપનીઓ સાથે રૂપિયા 858 કરોડના એમઓયુ થયા છે. જેમાં સૌથી વધારે 585 કરોડના એમઓયુ ધ્રાંગધ્રાના હરિલાલ મોહનભાઇ પટેલ પરિવારના 6 ઉદ્યોગના થયા છે. જયારે સુરેન્દ્રનગર પાવર ટ્રેક ગ્રુપના કિશોરસિંહ ઝાલાએ પણ 100 કરોડથી વધુ રકમના એમઓયુ કર્યા છે. આ તમામ ઉદ્યોગ થકી જિલ્લામાં 1619 જેટલી નવી રોજગારીનું સર્જન થનાર છે. ગુરૂવારે ઉદ્દઘાટન બાદ એમઓયુ સાઈનીંગ, જેમ ક્રેડીટ લીંકેજ, આત્મ નીર્ભર ગુજરાત યોજના, વિવિધ સ્વરોજગારલક્ષી યોજના વિશે સેમીનાર અને વર્કશોપ યોજાયા હતા. જયારે બી-ટુ-બી, બી-ટુ-જી, બી-ટુ-સી મીટ, મહિલા ઉદ્યોગકારો, સ્વ સહાય જુથ, એફપીઓ, પીએમ વિશ્વ કર્મા યોજના, સ્ટાર્ટ અપ, ઈનોવેશન સહિતના સેમીનારનું આયોજન પણ કરાયુ છે.
સરકારી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવાની જિલ્લાના ઉદ્યોગકારોની માંગ
સરકાર સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ઉદ્યોગો લાવવા માટે પ્રયાસો કરી ઉદ્યોગકારો નવા રોકાણ પણ કરે છે. પરંતુ ઉદ્યોગકારોને નવા ઉદ્યોગ સ્થાપવા માટે જમીન બિનખેતી કરવાની, સોલાર માટેની કામગીરી કે જમીન પ્રક્રિયા માટે સુરેન્દ્રનગર કલેકટર ઓફીસમાં ધકકા ખાવા પડતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી અને બીજી સરકારી પ્રક્રિયામાં કે પરમીશનમાં પણ સમય લાગતો હોય છે જે જલ્દી પુર્ણ કરવા સરકાર મદદ કરે તેવો ઉદ્યોગકારોમાં ગણગણાટ થઇ રહયો છે.
આજે તા. 13મીએ સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાશે
દેશના વડાપ્રધાન સ્ટાર્ટઅપને મહત્વ આપી રહ્યા છે. ત્યારે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનમાં જિલ્લાના યુવાનો આગળ વધે તે હેતુથી તા. 13મીના રોજ એક સેમીનારનું આયોજન કરાયુ છે. જેમાં જીટીયુ અને સ્ટાર્ટઅપના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારથી જિલ્લાના યુવાનોને સ્ટાર્ટઅપ વિશેની વિસ્તૃત જાણકારી મળશે અને ઉદ્યોગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુકોને નવી દિશા મળશે.
વાઈબ્રન્ટ કાર્યક્રમના સ્થળે 40 સ્ટોલ રખાયા
વાયબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમ અંતર્ગત 40 જેટલા સ્ટોલ પણ રખાયા છે. જેમાં ઉદ્યોગોને લખતા 15 સ્ટોલ છે. આ ઉપરાંત નેચરલ પ્રોડકટના 3, પટોળા, ટાંગલીયા આર્ટ, મધ, શેમ્પુ, સીરામીકના રમકડા, બોટલ, બરણી, માર્બલ, સ્ટોન, હેન્ડીક્રાફટ સહિતની આઈટમો હશે. વન ડીસ્ટ્રીકટ વન પ્રોડકટ હેઠળ પણ 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જયારે 5 સ્ટોલમાં સરકારી વિભાગો વિવિધ યોજનાઓની માહિતી આપી રહ્યા છે.
ધ્રાંગધ્રાના 6 ઉદ્યોગ દ્વારા રૂ. 585 કરોડના MOU
ધ્રાંગધ્રા ઓમેક્ષ કોટસ્પીનના જયેશભાઇ પટેલ અને અરૂણભાઇ પટેલે સોલારમાં રૂ. 60 કરોડ, એગ્રીટેક એલ.એલ.પી.નલીનભાઇ પટેલે રૂ. 35 કરોડ, મેક્ષ ફલેક્ષના મનુભાઇએ રૂ. 100 કરોડ, લીમેક્ષ ગારમેન્ટના જયેશભાઇ, અરૂણભાઇ અને સંદીપભાઇ ગારમેન્ટ રૂ. 250 કરોડનું રોકાણ કરશે. ફલોટેક્ષ સોલારના મગનભાઇ રૂ. 40 કરોડ, મેક્ષફ્રૂટ જયેશભાઇ પટેલ રૂ. 100 કરોડ મળી કુલ રૂ. 585 કરોડનુ રોકાણ કરી નવા ઉદ્યોગો સ્થાપશે. આમ જિલ્લામાં સૌથી મોટી રોજગારી આપતા અને ઉદ્યોગ ક્ષેત્રે અનોખી સિધ્ધિ હાંસલ કરનાર હરિલાલ મોહનભાઈ પટેલ પરિવારે વાયબ્રન્ટમાં સૌથી વધારે એમઓયુ કરતા અધિકારીઓ અને લોકોએ આનંદ વ્યકત કર્યો છે.