પૌત્રીની ઉમરની બાળકી સાથે પ૭ વર્ષના આધેડનું દુષ્કર્મ
સુરતના સરથાણા વિસ્તારમાં બનેલો વિકૃત બનાવ : નરાધમની ધરપકડ કરાઇ
અગ્ર ગુજરાત, સુરત
સુરતમાં દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર બનાવો વધી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 57 વર્ષના આધેડે માત્ર છ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે માસૂમે સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અસરામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા.
આ સમયે જ તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (રહે. સરથાણા) (મૂળ રહે. હડમતીયા ગામ, પાલીતાણા, જિ. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા હતા અને તેની છ વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ છ વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી.
દાદા તેમના પુત્રને ઘરે મુકવા માટે ગયા તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર છ વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી હતી અને દુકાનની અંદર જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, ત્યાર બાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી. હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગ તળે જમીન ખસી ગઈ હતી.
બનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘણ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


