- વર્ષ 2020થી શરૂ થયેલા બર્ડફ્લૂ સંક્રમણનો ભોગ ગાયો અને બકરી પણ બની રહી છે
- ચેતવણી : મનુષ્યમાં સંક્રમણ ફેલાશે તો મૃત્યુદર અનેક ગણો ઊંચો જઇ શકે છે
- સ્તન્ય જીવોમાં બર્ડફ્લૂ સંક્રમણનો ખતરો વધારે
વિશ્વ આરોગ્ય સંગઠને ગુરૂવારે માનવીઓ સહિત અન્ય પ્રજાતિમાં એચ-5-એન-1 બર્ડ ફ્લૂ સંક્રમણના ખતરા વિષે ગંભીર ચિંતા જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વિજ્ઞાની જેરેમી ફરારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે,’ મને લાગે છે કે બર્ડ ફ્લૂ મોટી ચિંતાનો વિષય બનેલો છે. વર્ષ 2020માં શરૂ થયેલો નવો બર્ડ ફ્લૂ સંક્રમણનો ભોગ હવે ગાય અને બકરીઓ પણ બની રહી છે. સ્તન્ય જીવોમાં સંક્રમણનો ખતરો વધ્યો છે. આ બર્ડ ફ્લૂ વૈશ્વિક જૂનોટિક પશુ મહામારી બની ચુકી છે.’ ફરારે કહ્યું કે,’ આ બાબત ચિંતાનો વિષય છે. પહેલાં આ સંક્રમણ બતક અને મુરઘીઓમાં ફેલાતું હતું. સ્તનધારી પશુઓમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. પશુઓના સંપર્કમાં રહેતા સેંકડો માનવીઓ પર ખતરો મંડરાઇ રહ્યો છે. આ સંક્રમણ મનુષ્યમાં ફેલાય તો મૃત્યુદર અનેક ગણો વધી જવાની સંભાવના છે.’ તાજેતરના વર્ષોમાં ફ્લૂ સંક્રમણ લાખો જંગલી પક્ષીઓનો ભોગ લઇ ચુક્યું છે. તે પછી સંક્રમણ સ્તનધારી પશુઓમાં પણ ફેલાવા ફેલાવા લાગ્યું છે. એચ-5-એન-1 સંક્રમણના ભોગ દૂધ આપતા પ્રાણીઓ પણ બની રહ્યા હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. હુના અહેવાલ મુજબ આઠ અમેરિકી રાજ્યોના ડેરી ઉદ્યોગને આ વાયરસ પ્રભાવિત કરી ચૂક્યો છે. આવા સંક્રમિત દૂધાળા પ્રાણીઓના સંપર્કમાં આવતાં માનવીને પણ એચ-5-એન-1 સંક્રમણ પ્રભાવિત કરી શકે છે.


