સોશિયલ મીડિયા પર ચીનના એક મોટા ગેમિંગ ઉદ્યોગપતિને લઈને ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. ઓનલાઈન ગેમિંગ કંપની ડુઓયી (Duoyi Network)ના 48 વર્ષીય સ્થાપક ઝુ બો અંગે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં સરોગસી દ્વારા 100થી વધુ બાળકોને જન્મ આપ્યો છે.
“ચીનના પ્રથમ પિતા”
એક અહેવાલ મુજબ, ઝુ બો પોતાને “ચીનના પ્રથમ પિતા” તરીકે ઓળખાવે છે અને સોશિયલ મીડિયા પર વારંવાર મોટા પરિવારો અંગે પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેમની સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દાવો કરે છે કે ઝુ બોએ અમેરિકાની સરોગસી એજન્સીઓ મારફતે 100થી વધુ બાળકોના પિતા બન્યા છે.
X ગર્લફ્રેન્ડે લગાવ્યો આરોપ
આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ઝુ બોની X ગર્લફ્રેન્ડ તાંગ જિંગએ આરોપ લગાવ્યો કે ઝુ વાસ્તવમાં 300થી વધુ બાળકોના પિતા હોઈ શકે છે. તાંગના જણાવ્યા મુજબ, તેણે વર્ષો સુધી વ્યક્તિગત રીતે 11 બાળકોની સંભાળ લીધી છે અને જાહેરમાં દર્શાવવામાં આવતા આંકડા હકીકતમાં ઓછા હોઈ શકે છે. હાલમાં ઝુ બો અને તાંગ તેમની બે પુત્રીઓની કસ્ટડી અંગે કાનૂની વિવાદમાં ફસાયેલા છે.
વીડિયો પણ વાયરલ થયો હતો
અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મોટા ઘરમાં અનેક નાના બાળકો બેઠેલા જોવા મળ્યા હતા. કેમેરા તરફ જોતા જ બાળકો “પાપા!” કહીને દોડી ગયા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ ઝુ બો જ છે.
એલોન મસ્કથી પ્રેરણા
ડુઓયી કંપનીના પ્રતિનિધિએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે ઝુ બો વિશે કરવામાં આવતા ઘણા દાવા ખોટા છે, જોકે કયા દાવા ખોટા છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. અહેવાલ મુજબ, ઝુ બો ટેસ્લાના CEO એલન મસ્કથી પ્રેરિત હોવાનું પણ કહેવાય છે. તેમણે ચીની સોશિયલ મીડિયા પર એવું પણ જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો ભવિષ્યમાં એલન મસ્કના બાળકો સાથે લગ્ન કરે.
કોર્ટમાં શું થયું?
કોર્ટના દસ્તાવેજો અનુસાર, વર્ષ 2023માં ઝુ બોએ કેલિફોર્નિયાની એક અદાલતમાં સરોગસી દ્વારા જન્મેલા તેમજ અજાત બાળકો માટે પિતૃત્વ અધિકારોની માંગ સાથે અરજી કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ 20થી વધુ બાળકોના પિતા બનવા માંગે છે, જેમાં મુખ્યત્વે પુત્રો અમેરિકામાં જન્મેલા હોય, જેથી ભવિષ્યમાં તેઓ તેમનો વ્યવસાય સંભાળી શકે.
અરજીઓ ફગાવી દીધી હતી
જો કે, ન્યાયાધીશે તેમની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અહેવાલ મુજબ, ઝુ બોના ઘણા બાળકો હાલમાં કેલિફોર્નિયાના એક ઘરમાં રહે છે, જ્યાં તેમની સંભાળ આયાઓ દ્વારા રાખવામાં આવી રહી છે. ઝુ બોએ કોર્ટને એવું પણ જણાવ્યું હતું કે તેમના વ્યસ્ત કાર્યકાળને કારણે તેઓ હજી સુધી પોતાના બાળકોને મળી શક્યા નથી, પરંતુ ભવિષ્યમાં તેમને ચીન લાવવાની યોજના ધરાવે છે.


