અમ્માનમાં PM નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચે સોમવારે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ આતંકવાદ વિરોધી સહયોગ, ગાઝાની હાલની કટોકટી, પ્રાદેશિક શાંતિ અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી. બેઠક બાદ ભારત અને જોર્ડન વચ્ચે ઊર્જા, પાણી વ્યવસ્થાપન, સંસ્કૃતિ, ડિજિટલ પરિવર્તન અને પર્યટન ક્ષેત્રોને આવરી લેતા કુલ 5 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા.
આ મહત્વના મુદ્દા પર ભાર
વાટાઘાટોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, આતંકવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ, ખાતર અને કૃષિ, નવીનીકરણીય ઉર્જા તેમજ પર્યટન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકાયો. PMએ આતંકવાદ અને કટ્ટરવાદ સામે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયની સક્રિય ભૂમિકાની પ્રશંસા કરી અને પ્રદેશમાં શાંતિ તથા સ્થિરતા માટે ભારતના અડગ સમર્થનની પુષ્ટિ કરી. બંને દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની કડક નિંદા કરી અને આ મુશ્કેલ સમય સામે સંયુક્ત વલણ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. રાજા અબ્દુલ્લા દ્વિતીયએ પણ આતંકવાદ સામે ભારતની લડાઈને મજબૂત સમર્થન આપ્યું.
સહયોગને વધુ મજબૂત બનાવવા કામ
PM મોદીએ જણાવ્યું કે ભારત અને જોર્ડન તમામ ક્ષેત્રોમાં સહયોગને વધુ ઊંડો બનાવવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ મળશે. વેપાર, ડિજિટલ ટેકનોલોજી, માળખાકીય સુવિધાઓ અને લોકો-થી-લોકો વચ્ચેના સંપર્કોને વધુ મજબૂત બનાવવાની પણ તેમણે વાત કરી.
ત્રીજો સૌથી મોટો વેપારી
ભારત જોર્ડનનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે તે બાબત પર ધ્યાન દોરતાં,PMએ આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને હાલના 2.8 અબજ ડોલરથી વધારીને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સાથે જ, જોર્ડનની ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ અને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ વચ્ચે સહયોગની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ.
બીજા તબક્કામાં ઇથોપિયા માટે રવાના
PM મોદી ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં જોર્ડન પહોંચ્યા હતા. આ મુલાકાત 37 વર્ષમાં કોઈ ભારતીય PM દ્વારા જોર્ડનની પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત છે અને ભારત-જોર્ડન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ સાથે સંકળાયેલી છે. જોર્ડનના PM જાફર હસન દ્વારા અમ્માન એરપોર્ટ પર PMનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસીય જોર્ડન મુલાકાત પૂર્ણ કર્યા બાદ PM નરેન્દ્ર મોદી આજે તેમના પ્રવાસના બીજા તબક્કામાં ઇથોપિયા માટે રવાના થશે, જ્યારે ત્યારબાદ ઓમાનની પણ મુલાકાત લેશે.


