ભારતમાં 2024માં કેન્સરને કારણે 8.74 લાખ મૃત્યુ થયા છે. તેવામાં રશિયાની mRNA કેન્સર રસી પર ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવ્યું હતું અને તેનું પ્રી-ક્લિનિકલ ટ્રાયલ 3 વર્ષ સુધી કરવામાં આવ્યું હતું.
કેન્સર રસી પ્રી-ક્લિનિકલ ટ્રાયલ
રશિયાની કેન્સર રસી પ્રીક્લિનિકલ ટ્રાયલ પાસ કરી ચૂકી છે અને ઉપયોગ માટે તૈયાર છે. 3 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલમાં તેની સલામતી અને અસરકારકતાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ માહિતી રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવા દ્વારા આપવામાં આવી હતી. વેરોનિકાએ કહ્યું કે રસી ઉપયોગ માટે તૈયાર છે. અમે સત્તાવાર મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. વારંવાર ઉપયોગ કર્યા પછી પણ રસીની અસર ખૂબ સારી હતી.
કીમોથેરાપીની જરૂર રહેશે નહીં ?
સંશોધકોએ આ રસીના ઉપયોગ કર્યા બાદ ગાંઠના કદમાં 60% થી 80% ઘટાડો જોયો હતો. રસીનું પ્રારંભિક લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર હશે. આ ઉપરાંત, ગ્લિઓબ્લાસ્ટોમા અને વિવિધ પ્રકારના મેલાનોમા માટે રસી વિકસાવવામાં સારી પ્રગતિ થઈ છે. રશિયા દ્વારા બનાવેલ રસી mRNA રસી છે. તે દરેક દર્દીના RNA અનુસાર ઉત્તેજિત કરવામાં આવશે. જો રસી મંજૂર થઈ જાય, તો કીમોથેરાપીની જરૂર રહેશે નહીં. બ્રિટિશ સરકાર જર્મનીની બાયોએનટેક સાથે મળીને કેન્સર રસી વિકસાવી રહી છે. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક પણ ત્વચાના કેન્સર સામે લડવા માટે રસી બનાવી રહી છે.
કેન્સરના વધી રહ્યાં છે કેસ
ભારતમાં, 2024 માં કેન્સરને કારણે 4.60 લાખ પુરુષો મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, 4.14 લાખ મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. એટલે કે, પુરુષોમાં કેન્સરને કારણે મૃત્યુ સ્ત્રીઓ કરતા વધુ હતા. ICMR એટલે કે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અનુસાર, આગામી 5 વર્ષમાં ભારતમાં કેન્સરના દર્દીઓ 12%ના દરે વધશે. આમાં, નાના લોકો પણ ઝડપથી કેન્સરનો શિકાર બનશે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, નાની ઉંમરે કેન્સર થવાનું એક સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


