પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ભૂતપૂર્વ ISI વડા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
ગુપ્તત કાયદાના ઉલ્લંઘન સહિતના ગંભીર આરોપો
આ માહિતી પાકિસ્તાની લશ્કરની મીડિયા શાખા ISPR દ્વારા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભૂતપૂર્વ ISI વડાને કોર્ટ-માર્શલ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. ફૈઝ હમીદને રાજકારણમાં દખલગીરી અને સત્તાવાર ગુપ્તત કાયદાના ઉલ્લંઘન સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવ્યા છે. તેમની સામે કોર્ટ-માર્શલ કાર્યવાહી ઓગસ્ટ 2024 માં શરૂ થઈ હતી અને 15 મહિના સુધી ચાલી હતી. તેમના પર તેમના પદનો દુરુપયોગ અને લશ્કરી શિસ્તનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મુકાયો હતો. 11 ડિસેમ્બર 2025ના રોજ જારી કરાયેલા આ નિર્ણયથી પાકિસ્તાની સૈન્ય અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
કાબુલમાં “વિક્ટોરિયસ ટી” અને ફૈઝ હમીદનું સ્મિત
સપ્ટેમ્બર 2021ની તસવીરો ભાગ્યે જ કોઈ ભૂલી શક્યુ હશે. જ્યારે ISIના વડા ફૈઝ હમીદ, અફઘાનિસ્તાનમાં યુએસ સત્તાના પતન અને તાલિબાનના પુનરાગમન પછી તરત જ કાબુલ પહોંચ્યા હતા. આખી દુનિયાએ કાબુલની સેરેના હોટલની લોબીમાં હાથમાં ચાનો કપ અને ચહેરા પર વિજયી સ્મિત સાથે હમીદના દેખાવને જોયો. તે સમયે, કાબુલમાં અરાજકતાનો માહોલ હતો, દુનિયા ચોંકી ગઈ હતી, પરંતુ ફૈઝ હમીદ અત્યંત શાંત દેખાતા હતા. જ્યારે એક વિદેશી પત્રકારે તેમને પૂછ્યું કે અફઘાનિસ્તાનમાં શું થશે, ત્યારે તેમણે હસીને કહ્યું, “ચિંતા કરશો નહીં, બધું ઠીક થઈ જશે.”
સત્તાના દેખાડામાં જેલની સજા
આ ફક્ત ચાનો કપ નહોતો, પરંતુ દુનિયા માટે એક સંદેશ હતો કે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનમાં પોતાનો રસ્તો શોધી લેશે. અહેવાલ મુજબ હમીદ તાલિબાન સરકારમાં હક્કાની નેટવર્ક માટે એક મહત્વપૂર્ણ સ્થાન મેળવવા અને સરકાર રચનાના વિવાદો ઉકેલવા માટે ત્યાં ગયો હતો. તે સમયે, તે “કિંગમેકર” અને “કાબુલના વાઇસરોય” તરીકે જાણીતા હતા. જનરલે 2021 માં કાબુલમાં પોતાની સત્તાનો દેખાડો કર્યો હતો અને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ અનુભવતો હતો, તેને હવે 2025 માં તેની પોતાની સેના દ્વારા “દેશદ્રોહી” ગણાવવામાં આવ્યો છે અને 14 વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.


