પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે સાઉદી અરબે 4,700 કરતા વધારે પાકિસ્તાની ભિખારીઓને પાકિસ્તાન તગેડી મૂક્યા છે.
આ લોકો કથિત રીતે નકલી વિઝા અને ઉમરાહ કે હજના બહાને સાઉદી અરબ પહોંચી ગયા હતા પરંતુ ત્યાં જઈને તેઓ ગેરકાયદે રીતે ભીખ માગતા પકડાયા હતા. આ ઘટનાને કારણે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમમાં મુકાવું પડયું હતું. આસિફે વધુમાં ઉમેયુંર્ હતું કે પાકિસ્તાનમાં લગભગ 2.2 કરોડ ભિખારી છે, જેઓ વાર્ષિક 42 અબજ રૂપિયા કમાય છે. આ લોકો વિદેશમાં જઈને ભીખ માગીને દેશની છબિને ખરડે છે. તેમણે જણાવ્યુ હતું કે સાઉદી અરબમાં ભીખ માગવા વિરુદ્ધ આકરા કાયદા છે, જેના હેઠળ ભિખારીઓને દંડ, જેલ અને નિર્વાસનનો સામનો કરવો પડી શકે છે.
સિયાલકોટમાં એક કાર્યક્રમને સંબોધતા આસિફે જણાવ્યુ હતું કે મધ્ય પૂર્વના દેશોમાંથી મોટી સંખ્યામાં પાકિસ્તાની ભિખારીઓને તગેડી મૂકવામાં આવી રહ્યા છે. એકલા સાઉદી અરબે જ ઓછામાં ઓછા 4,700 પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી હાંકી કાઢયા છે. આ પહેલા સ્વયં પાકિસ્તાની એજન્સી (FIA)એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે સાઉદી અરબે 2021થી 2024 વચ્ચે 4,000 ભિખારીઓને પાકિસ્તાન પાછા મોકલ્યા હતા. એજન્સીના અધિકારીના અનુસાર આ નિર્વાસિત ભિખારીઓનો સંબંધ મુખ્યત્વે દક્ષિણ પંજાબ, કરાચી અને આંતરિક સિંધ ક્ષેત્ર સાથે છે.
પાક. સરકારે પણ શરમ મુકાયા બાદ કાર્યવાહી કરી
પાકિસ્તાન સરકારે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને તેણે નવેમ્બર 2024માં 4,300 ભિખારીઓના નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટ (ઇસીએલ)માં નાખ્યા હતા. તે ઉપરાંત ઉમરાહ અને હજ વિઝાનો દુરુપયોગ કરીને ભીખ માગવાની ઘટના પણ રોકાઈ રહી નથી. સાઉદી અરબે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને આ મુદ્દા પર આકરું વલણ અપનાવવા કહ્યું છે.


