50% ટેરિફ રદ થવો જોઈએ’ US સંસદમાં ભારત માટે અવાજ ઉઠ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે સત્તાવાર ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકામાં હવે આ મુદ્દે રાજકીય દબાણ સતત વધી રહ્યું છે અને સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું ટ્રમ્પ ભારત પરનો 50 ટકા ટેરિફ હટાવશે.
સામાન્ય નાગરિકો પર અસર
અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ US કોંગ્રેસના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં, ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. સાંસદોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટીની આડમાં લાદવામાં આવેલા આ ટેરિફ ગેરકાયદેસર છે અને તેનો સૌથી મોટો ભાર સામાન્ય અમેરિકન નાગરિકો પર પડી રહ્યો છે, કારણ કે આયાતી ચીજવસ્તુઓ મોંઘી બની રહી છે.
25 ટકા ટેરિફ લાગુ
ઉત્તર કેરોલિનાની ડેબોરાહ રોસ, ટેક્સાસના માર્ક વેઝી અને ઇલિનોઇસના ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા રદ કરવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે, જેના આધારે ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય આયાત પર કુલ 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025ના રોજ પ્રથમ તબક્કે 25 ટકા ટેરિફ લાગુ કર્યો હતો અને ત્યારબાદ 27 ઓગસ્ટ, 2025ના રોજ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના 25 ટકા ગૌણ ટેરિફની જાહેરાત કરી હતી. આ બંને ટેરિફને કારણે અનેક ભારતીય ઉત્પાદનોની અમેરિકામાં આયાત કિંમત લગભગ બમણી થઈ ગઈ છે.
ડેમોક્રેટિસ સાંસદોનો વિરોધ
ડેમોક્રેટિક સાંસદોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટેરિફ અમેરિકન હિતોના વિરુદ્ધ છે અને તે મૂળભૂત રીતે રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ પર વધારાનો કર સમાન છે. તેમનું માનવું છે કે આ પગલાં સપ્લાય ચેઇનને નુકસાન પહોંચાડી રહ્યા છે, અમેરિકન કામદારો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે અને ગ્રાહકોની ખરીદ શક્તિ પર સીધી અસર કરી રહ્યા છે.
અર્થવ્યવસ્થા ભારત સાથે ઘનિષ્ઠ
સાંસદ ડેબોરાહ રોસે કહ્યું કે ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે અને ભારતીય કંપનીઓએ રાજ્યમાં અબજો ડોલરનું રોકાણ કરી હજારો નોકરીઓ ઊભી કરી છે. માર્ક વેઝીનું કહેવું છે કે આ ગેરકાયદે ટેરિફ ઉત્તર ટેક્સાસના સામાન્ય લોકો પર મોંઘવારીનો વધારાનો બોજ લાદે છે, જ્યારે ભારત અમેરિકાનો મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે. રાજા કૃષ્ણમૂર્તિએ પણ ચેતવણી આપી છે કે આ નીતિઓ US–ભારત સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે અને ટેરિફ દૂર કરવાથી બંને દેશો વચ્ચેના આર્થિક તથા સુરક્ષા સંબંધો વધુ મજબૂત બનશે.
વેપાર નીતિ નક્કી કરવાનો અધિકાર
આ ઠરાવ US કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ વચ્ચે ચાલી રહેલા સત્તાના સંઘર્ષનો ભાગ માનવામાં આવી રહ્યો છે. કાયદા ઘડનારાઓ દલીલ કરે છે કે અમેરિકન બંધારણ મુજબ વેપાર નીતિ નક્કી કરવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે અને રાષ્ટ્રપતિ કટોકટીની સત્તાનો દુરુપયોગ કરી શકતા નથી. હાલ આ પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચર્ચા હેઠળ છે અને જો તે પસાર થાય, તો સેનેટમાં પણ સમાન પ્રસ્તાવ પર મતદાન થશે. વિશેષ બહુમતી મળે તો રાષ્ટ્રપતિના વીટોને પણ રદ કરવાની શક્યતા રહેશે.


