અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં જણાવ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ “World War 3” સુધી પહોંચી શકે છે. તેમના અનુસાર છેલ્લા એક મહિનામાં જ 25,000 થી વધુ લોકો, મોટા ભાગે સૈનિકો, મૃત્યા પામ્યા છે જે આ યુદ્ધની ગંભીરતાને સમજાવે છે.
ટ્રમ્પની ચેતવણી
ટ્રમ્પે જણાવ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રશિયા અને યુક્રેનની ધીમી પ્રગતિ અને વાતચીતમાં થયેલા વિલંબથી તેઓ નિરાશ થયા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,”હું ઈચ્છું છું કે યુદ્ધ બંધ થાય.ગયા મહિને જ 25,000 સૈનિકો માર્યા ગયા. હું આ બધું અટકાવા માંગું છું”
ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે,”આ પ્રકારની પરિસ્થિતિઓ ત્રીજા વિશ્વયુદ્ધ કરાવી શકે છે અને અંતે પરિણામ ભયાનક થઈ શકે છે.” વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે રાષ્ટ્રપતિ રશિયા અને યુક્રેન બંને તરફથી મળતા ધીમા પ્રતિસાદથી ખૂબજ અસંતુષ્ટ છે.તેમણે કહ્યું કે ટ્રમ્પ હવે “ફક્ત બેઠક માટે બેઠક” કરવા તૈયાર નથી. “તેમને હવે શબ્દો નહીં, પરંતુ પરિણામો ઈચ્છે છે.”
યુક્રેન માટે અમેરિકાની સહાય
ટ્રમ્પે એ પણ જણાવ્યું કે જો યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં સુરક્ષા કરાર થાય તો અમેરિકા યુક્રેનને સહાય પૂરી પાડવા તૈયાર છે. પરંતુ તેમણે નિરાશા વ્યક્ત કરી કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકાની શાંતિ યોજના પર હસ્તાક્ષર કરવામાં સંકોચ બતાવ્યો. ઝેલેન્સકીએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે યુક્રેન ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપવા અંગે પ્રજામતમાં મતદાન કરી શકે છે. રશિયાએ પણ આગ્રહ કર્યો છે કે યુક્રેન પૂર્વીય વિસ્તારો ડોનેટ્સક અને લુહાન્સ્કમાંથી પોતાના દળોને પાછા ખેંચે.


