દેશી બનાવટની પિસ્ટલ અને બે કારતૂસ સાથે દૂધસાગર રોડ પર રહેતો શખ્સ ઝડપાયો
પંડિત દીનદયાળ રોડ પર નર્મદા પાર્કના ફ્લેટમાંથી રૂ.10,200નો મુદ્દામાલ કબજે કરતું SOG
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખતા શખસો સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ત્યારે રાજકોટ શહેર એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે પંડિત દીનદયાળ રોડ પર આવેલા નર્મદા પાર્કના બીજા માળે આવેલા ફ્લેટમાં દરોડો પાડી દેશી બનાવટની પિસ્ટલ અને બે જીવતા કારતૂસ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો.
પોલીસની વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી એસઓજી દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખતા શખસો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એસઓજીના પીઆઈ એન.બી. ચૌધરી અને પીએસઆઈ બી.વી. ચુડાસમાની રાહબરી હેઠળ પેટ્રોલિંગમાં રહેલી ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે નર્મદા પાર્કના બીજા માળે આવેલા ફ્લેટ નંબર-4માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી બિલાલ દિલાવર ઉઠામણા (ઉં.વ.26, રહે. દૂધસાગર રોડ, ભગવતી સોસાયટી, હૈદરી ચોક પાસે, રાજકોટ)ને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ.10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ અને રૂ.200ની કિંમતના બે જીવતા કારતૂસ મળી કુલ રૂ.10,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B)A અને 29 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પીઆઈ એન.બી. ચૌધરી, પીએસઆઈ બી.વી. ચુડાસમા, એએસઆઈ રવિભાઈ વાંક, રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર અને હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાએ કરી હતી.


