રસ્તા પર પડી ગયેલી 32 લાખની ચાંદી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી
સોની બજારમાંથી એક્ટિવા પર 60 કિલો ચાંદી લઈ જતાં વેપારીની 20 કિલોની થેલી રસ્તામાં પડી ગઈ હતી, CCTV ફૂટેજના આધારે ગઢિયાનગરના 45 વર્ષીય શખ્સ પાસેથી 20.060 કિલો ચાંદી મળી આવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર વેપારીની એક્ટિવામાંથી રસ્તામાં પડી ગયેલી અંદાજે રૂ.32 લાખની કિંમતની 20 કિલો શુદ્ધ ચાંદી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી છે. સોની બજારમાં આવેલી સાંઈબાબા રિફાઇનરીમાંથી 60 કિલો શુદ્ધ ચાંદીના દાણા લઈને નીકળેલા વેપારીની એક થેલી રસ્તામાં પડી ગઈ હતી. આ અંગે જાણ થતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ગઢિયાનગરના એક શખ્સ પાસેથી 20.060 કિલો શુદ્ધ ચાંદી મળી આવતાં પોલીસે તેને તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના વેપારી પ્રશાંતભાઈ ઉત્તમભાઈ મેટકરી ગત તા.23 નવેમ્બર 2026ના રોજ સવારે આશરે 10 વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવા લઈને સોની બજારમાં ગઢની રાંગ પાસે આવેલી સાંઈબાબા રિફાઇનરી ખાતે ગયા હતા. ત્યાંથી તેમણે શુદ્ધ ચાંદીના ઝીણા દાણા ભરેલી પ્લાસ્ટિકની ત્રણ અલગ-અલગ થેલીઓ મેળવી હતી. પ્રત્યેક થેલીમાં આશરે 20 કિલો ચાંદી હતી. આમ કુલ 60 કિલો ચાંદી એક્ટિવાના આગળના પગ મૂકવાના ભાગે રાખીને તેઓ નીકળ્યા હતા.
દરમિયાન રસ્તામાં એક થેલી પડી ગઈ હતી. આ થેલીમાં 20 કિલો શુદ્ધ ચાંદી હતી, જેની કિંમત આશરે રૂ.32 લાખ થતી હતી. ચાંદીની થેલી ગુમ થતાં વેપારીએ તેની શોધખોળ શરૂ કરી હતી અને જાહેરાત પણ કરી હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાએ તાત્કાલિક ચાંદીનો જથ્થો શોધી કાઢવા સૂચના આપી હતી.
જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મળેલી હકીકતોના આધારે ગઢિયાનગર શેરી નં.6માં રહેતા રાજેશભાઈ મોહનભાઈ રાઠોડ (ઉં.વ.45) પાસેથી શંકાસ્પદ શુદ્ધ ચાંદી મળી આવી હતી.
પોલીસે તેની પાસેથી 20.060 કિલો શુદ્ધ ચાંદી કબજે કરી હતી. ચાંદીનો ટચ 99.90 હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલા ચાંદીના જથ્થાની કિંમત રૂ.32 લાખ આંકવામાં આવી છે. આ મામલે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ નં.140/2026 તા.26 નવેમ્બર 2026ના રોજ નોંધાઈ છે. આમ, વેપારીની એક્ટિવામાંથી રસ્તામાં પડી ગયેલી લાખોની કિંમતની ચાંદી શોધી કાઢવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફના અનેક કર્મચારીઓ જોડાયા હતા.


