વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ
તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત
એક વર્ષ સુધી કાર્યકરોને સતત સક્રિય રાખવાની રણનીતિનો સંદેશ કાર્યક્રમમાં અપાયો : કાર્યકરોનું સન્માન કરાયું : ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વધુ ઊર્જા સાથે આગળ વધવા આહવાન
સ્નેહમિલનમાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાને ૨૫ વર્ષના સંસ્મરણો વાગોળ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ઓગણજ સર્કલ પાસે ગોપી વિવેન્ઝા પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભાના ઓઢવ સ્થિત શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મજુરા વિધાનસભાના અલથાણ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે હાજર રહ્યા હતા. ઓઢવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલન માત્ર નવા વર્ષની શુભેચ્છાઓ પૂરતું સીમિત ન રહેતાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને સક્રિય કરવાનો પ્રયાસ બની રહ્યો હતો. 28 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભાજપ સરકારને વધુ પાંચ વર્ષ સુધી સત્તામાં જાળવી રાખવાના લક્ષ્ય સાથે આગામી એક વર્ષ સુધી કાર્યકરોને સતત સક્રિય રાખવાની રણનીતિનો સંદેશ આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
ઘાટલોડિયા ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતનું આ સ્નેહમિલન છે અને આપણે સૌના સ્નેહથી જ જીતવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતની ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ચિપથી લઈને શિપ અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ સુધી ગુજરાત દેશને નવી દિશા આપી રહ્યું છે. દેશમાં નિર્માણ પામનારા ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી છ ગુજરાતમાં હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
મહિલા અને કન્યા શિક્ષણ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલી સહાય, આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, આયુષ્માન ભારત હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર, યુવાનો માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તેમજ ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે વધુ ઊર્જા સાથે આગળ વધવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.
સ્નેહમિલન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધતાં પોતાના ૨૫ વર્ષના જાહેર જીવન અને ગુજરાત સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આજે આપણે જે સ્વર્ણકાળનાં સપનાં જોઈ રહ્યા છીએ તે આવનારી પેઢી સાકાર થતું જોશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ અત્યંત મહત્વનું છે. છેલ્લા ૨૫ વર્ષમાં જે કામગીરી થઈ છે તેના કરતાં અનેકગણું કામ આગામી ૨૦ વર્ષમાં કરવાનું છે.
લોકતંત્રમાં પેઢીઓની પરંપરા યથાવત
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ અત્યારથી જ તેજ બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને ભાજપમાં દિગ્ગજ નેતાઓના પરિવારની નવી પેઢી રાજકારણમાં સક્રિય થઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પૂર્વ મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોના પુત્રો તથા પરિવારજનોની રાજકીય સક્રિયતા ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી પહેલાં જ નેતાઓની નવી પેઢી પોતાના મતવિસ્તારોમાં સક્રિય જોવા મળી રહી છે.
વિધાનસભા ચૂંટણીની સંભવિત રેસમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને લઈને ઋષભ રૂપાણીની રાજકીય સંભાવનાઓ અંગે ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ, કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનું નામ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલની રાજકીય સક્રિયતા પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. તેઓ વિવિધ સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળી રહ્યાં છે. જેના કારણે આગામી સમયમાં તેમની રાજકીય ભૂમિકા શું રહેશે તેને લઈને અટકળો ચાલી રહી છે.
સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ નેતાઓની નવી પેઢીની સક્રિયતા જોવા મળી રહી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પુત્ર ડૉ. મનીષ બાવળિયાનું નામ પણ સંભવિત રાજકીય રેસમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા છેલ્લા ઘણા સમયથી ગોંડલ વિસ્તારમાં સક્રિય જોવા મળી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ તમામ નેતાઓના પરિવારજનો પોતાના પરંપરાગત રાજકીય વિસ્તારોમાં લોકો વચ્ચે હાજરી વધારી રહ્યા છે. જોકે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કોને મેદાનમાં ઉતારવામાં આવશે તે અંગે જાહેરાત થઈ નથી.


