સુરેન્દ્રનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા, રોયલ્ટી પાસની તપાસમાં ગેરરીતિઓ પોલીસ દ્વારા લાખોનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
જિલ્લામાં ખનિજના વહન સામે કાર્યવાહી કરતાં જોરાવરનગર પોલીસે લીંબડી–રાજકોટ નેશનલ હાઈવે પરથી કાર્બોસેલ ખનિજ ભરેલા ત્રણ ડમ્પર અટકાવી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન બે ડમ્પરના ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હોવાનું, જ્યારે ત્રીજા ડમ્પરમાં પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ખનિજ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છૅ કે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાને પગલે ગેરકાયદે ખનન અને ખનિજના વહન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમે શંકાસ્પદ ડમ્પરોને અટકાવી દસ્તાવેજો અને ખનિજના જથ્થાની તપાસ કરી હતી. રોયલ્ટી પાસ સંબંધિત અનિયમિતતાઓ સામે આવતાં પોલીસે ત્રણેય ડમ્પરને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ મોટર વાહન અધિનિયમની કલમ 207 હેઠળ ડિટેઇન કર્યા હતા. ઉપરાંત, ખાણ-ખનિજ વિભાગના નિયમો હેઠળ મેમો આપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ કાર્યવાહી બાદ ખનિજ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેનો જથ્થો અને રોયલ્ટી પાસની વિગતો વચ્ચે કેટલો તફાવત હતો તેમજ નિયમો મુજબ રોયલ્ટી ભરવામાં આવી હતી કે નહીં, તે અંગેની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. જોકે, ગેરકાયદે ખનન કે ખનિજની ચોરી થઈ હોવાનો અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હવે ખાણ-ખનિજ વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં કઈ વિગતો સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.


