AIના નિયમોનું ચુસ્તપણે પાલન થતા નપાસની ટકાવારી વધી
RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ
અરજદારો AI ટ્રેકમાં નાપાસ થતા રી-ટેસ્ટથી એપોઇન્ટમેન્ટનું ભારણ વધ્યું : શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા વાહન વ્યવહાર કમિશનરની સૂચના : કર્મચારીઓની ફાળવણી કરી કામગીરી શરૂ કરવા આદેશ : અરજદારોને રાહત મળવાના સંકેત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો માટે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો પડકારજનક બની રહ્યો છે. રાજ્યની RTO કચેરીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ટ્રેક શરૂ થયા બાદ નિયમોનું ચુસ્તપણે પાલન થતું હોવાથી અનેક અરજદારો ટેસ્ટમાં નાપાસ થઈ રહ્યા છે. પરિણામે ફરીથી ટેસ્ટ આપવા માટેની અપોઇન્ટમેન્ટનું ભારણ વધી રહ્યું છે અને ડ્રાઇવિંગ ટેસ્ટનું વેઇટિંગ પણ લંબાઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે તમામ RTO કચેરીઓને મહત્વપૂર્ણ સૂચના આપી છે.
વાહન વ્યવહાર કમિશનરની સૂચના મુજબ, રાજ્યની જે RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું વેઇટિંગ 30 દિવસથી વધુ થઈ જશે ત્યાં અરજદારોને લાંબી રાહ જોવી ન પડે તે માટે વધારાની વ્યવસ્થા કરવાની રહેશે. જરૂરિયાત મુજબ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે રજાના દિવસોમાં કર્મચારીઓની ફાળવણી કરીને ટેસ્ટિંગની કામગીરી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.
અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયામાં માનવીય મૂલ્યાંકનને વધુ મહત્વ આપવામાં આવતું હતું. જોકે, હવે AI આધારિત ટ્રેક પર વાહનચાલકની દરેક હિલચાલનું ટેક્નોલોજીની મદદથી નિરીક્ષણ કરવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોમાં થતી નાની ભૂલ પણ અરજદારને નાપાસ કરી શકે છે. પરિણામે પ્રથમ પ્રયાસમાં ટેસ્ટ પાસ નહીં કરી શકનારા અરજદારોને ફરીથી અપોઇન્ટમેન્ટ લેવી પડે છે.
AI આધારિત ટેસ્ટિંગ ટ્રેક પર નિર્ધારિત નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું હોવાથી ટેસ્ટમાં નિષ્ફળ જતા અરજદારોને ફરી પરીક્ષા આપવી પડે છે. નવા અરજદારોની સાથે રી-ટેસ્ટ માટે આવતા અરજદારોની સંખ્યા ઉમેરાતાં અપોઇન્ટમેન્ટ મેળવવા માટે રાહ જોવાનો સમય વધી રહ્યો છે. ખાસ કરીને વધુ અરજદારો ધરાવતી RTO કચેરીઓમાં વેઇટિંગ ઘટાડવા માટે વધારાના ટેસ્ટિંગ દિવસોની જરૂરિયાત ઊભી થઈ શકે છે.
રાજ્ય સરકારની નવી વ્યવસ્થા અંતર્ગત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 30 દિવસથી વધુ વેઇટિંગ ધરાવતી RTO કચેરીઓમાં રજાના દિવસોનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, તમામ RTO કચેરીઓમાં દર શનિવાર અને રવિવારે ટેસ્ટ ફરજિયાત લેવામાં આવશે એવું નથી. જ્યાં વેઇટિંગ વધુ હશે ત્યાં જરૂરિયાત મુજબ આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.
આ નિર્ણયથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને અપોઇન્ટમેન્ટ માટે લાંબી રાહ જોવામાંથી રાહત મળવાની અપેક્ષા છે. હવે રાજ્યની કઈ કઈ RTO કચેરીઓમાં 30 દિવસથી વધુ વેઇટિંગ છે અને કેટલા અરજદારોને રજાના દિવસે ટેસ્ટ આપવાની તક મળશે તે જોવાનું રહેશે.
રાજકોટમાં ચાર મહિનામાં ૬૦૦૬ નાપાસ : દોઢ માસનું વેઇટીંગ
રાજકોટમાં છેલ્લા ચાર મહિનામાં ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાં 7,284માંથી 6,006 નાપાસ થયા છે ત્યારે અહીં પાર્કિંગમાં વર્ચ્યુઅલના બદલે ફિઝિકલ પોલ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દોઢ મહિના જેટલું લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે રવિવારે અને રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવાની નોબત આવી છે. આ ઉપરાંત બીજો નવો AI ટ્રેક નિર્માણ પામી રહ્યો છે. જે દોઢ મહિનામાં તૈયાર થઈ જશે જે બાદ લોકોની મુશ્કેલી દૂર થાય તેવી આશા સેવાઈ રહી છે. રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરીમાં હાલ નવો AI ટ્રેક બની રહ્યો છે. જેનું સંપૂર્ણ કામ દોઢ મહિનાની અંદર પૂરું થઈ જશે. જોકે હાલ વેઈટિંગ પિરિયડ છે એટલે કે પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકોને ટેસ્ટ માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. જેના અનુસંધાને અહીં દરેક રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખીએ છીએ. આ ઉપરાંત રવિવારના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવામાં આવે છે.


