ટ્રાફિકમાં ફસાયેલા પ્રસૂતા અને નવજાત શિશુ માટે ધારાસભ્ય હીરા સોલંકી બન્યા ‘દેવદૂત’
હોદ્દા કે પ્રોટોકોલની પરવા કર્યા વિના ધારાસભ્યએ ખુદ કારનું સ્ટીયરિંગ સંભાળી પરિવારને સુરક્ષિત રીતે જાફરાબાદના બાબરકોટ ગામે ઘરે પહોંચાડ્યો; વીડિયો વાયરલ
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા-જાફરાબાદના લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ફરી એકવાર પોતાની સંવેદનશીલતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારે ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા એક નવજાત શિશુ અને પ્રસૂતા માતાની મદદે આવીને ધારાસભ્યએ સરાહનીય કામગીરી કરી છે.
મળતી માહિતી મુજબ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજ્યપાલના કાર્યક્રમમાંથી હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાજુલા નજીક આવેલી હિંડોરણા ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં જાફરાબાદના બાબરકોટ ગામનો એક પરિવાર—જેમાં એક પ્રસૂતા માતા અને તેમનું નવજાત શિશુ હતા—ફસાઈ ગયો હતો. નવજાત બાળકની નાજુક સ્થિતિ અને માતાની તકલીફ જોઈને પરિવારજનો ભારે મૂંઝવણ અને ચિંતામાં મુકાયા હતા.
આ દ્રશ્ય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની નજરે પડતા જ તેમણે કોઈ પણ જાતના પ્રોટોકોલ કે હોદ્દાની પરવા કર્યા વિના તુરંત પોતાની ગાડી રોકાવી હતી અને નીચે ઉતરી ગયા હતા. તેઓ તાત્કાલિક પીડિત પરિવારની વહારે દોડી ગયા હતા અને પરિસ્થિતિની ગંભીરતા સમજીને માતા તથા નવજાત શિશુને પોતાની ગાડીમાં બેસાડી દીધા હતા. એટલું જ નહીં, ધારાસભ્ય હીરા સોલંકીએ ખુદ ગાડીનું સ્ટીયરિંગ સંભાળ્યું હતું અને પોતે જ કાર ચલાવીને આ પરિવારને છેક જાફરાબાદના બાબરકોટ ગામે આવેલા તેમના નિવાસસ્થાન સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા.
ધારાસભ્યના આ કાર્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુશ્કેલીના સમયે એક જનપ્રતિનિધિએ જે પ્રકારે ત્વરિત નિર્ણય લઈને નવજાત બાળક અને માતાની મદદ કરી છે, તેને જોઈને સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયા પર લોકો હીરાભાઈ સોલંકીની કામગીરીને બિરદાવી રહ્યા છે.


