ટોલ પ્લાઝા પર લાંબી કતારોથી વાહન ચાલકોને મળશે મુકિત
ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી
નંબર પ્લેટની ઓળખથી સીધા પૈસા કપાશે : સુરત નજીકના ટોલ બૂથ પર તા.૧મે ૨૦૨૮થી અમલવારી કરવા વિચારણા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પર લાંબી કતારો અને વાહનો રોકાવાની સમસ્યામાંથી હવે મુક્તિ મળવાની આશા છે. ગુજરાતના સુરત નજીક આવેલા એક ટોલ પ્લાઝા પર 1 મે 2028ના રોજ દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી છે. આ વ્યવસ્થા શરૂ થયા બાદ વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર નહીં પડે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મલ્ટી લેન ફ્રી ફ્લો વ્યવસ્થામાં હાઈવે પર લગાવવામાં આવેલા કેમેરા ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન દ્વારા વાહનની નંબર પ્લેટ ઓળખશે. વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય ત્યારે તેની ઓળખ કરીને ઇલેક્ટ્રોનિક રીતે ટોલ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવશે. આથી વાહનોને ટોલ ભરવા માટે રોકાવાની જરૂર નહીં રહે.
આ વ્યવસ્થામાં ફાસ્ટેગ અને ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાતની સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. વાહનની ઓળખ અને ટોલની ગણતરી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે. જો વાહનના ફાસ્ટેગમાં પૂરતું બેલેન્સ નહીં હોય તો ઇ-નોટિસ મળવાની પણ શક્યતા છે.
નવી વ્યવસ્થા લાગુ કરવા માટે માર્ગદર્શિકા અને પ્રોજેક્ટના અમલીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. માર્ચ 2028 સુધીમાં આ વ્યવસ્થાને અમલમાં મૂકવાની સમયમર્યાદા દર્શાવવામાં આવી છે. સુરત નજીકના ટોલ પ્લાઝા પર દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી છે.
ટોલ પ્લાઝાની આધુનિક સુવિધાઓ પર ભાર
નવી માર્ગદર્શિકામાં ટોલ પ્લાઝાની ડિઝાઇન, માળખાકીય સુવિધાઓ અને કામગીરીની વ્યવસ્થા માટે એકસમાન માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ટોલ પ્લાઝાનું બાંધકામ, લેન્સની સંખ્યા, વાહનોની અવરજવર, માર્ગ સુરક્ષા, લાઇટિંગ, સાઇનેજ અને ઇલેક્ટ્રોનિક ચુકવણી જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા હેઠળ તમામ પ્રોજેક્ટ અને બાંધકામના પ્રોજેક્ટમાં આ સુવિધાઓનો સમાવેશ કરવાનો રહેશે. આથી હાઈવે પર ટોલ વસૂલાતની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવવાની તૈયારી છે.


