બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કેશોદના યુવા ગાયકનો કરુણ અંત
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક ગમખ્વાર અકસ્માતઃ ચાર બહેનોનો એકનો એક ભાઈ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે એક આશાસ્પદ યુવા ગાયકનો ભોગ લીધો હતો. ક્રિષ્ના વોટરપાર્ક પાસે રાત્રિના સમયે પુરપાટ ઝડપે ધસી આવેલી કાર રસ્તા પર બંધ હાલતમાં ઊભેલા ગેસ ટેન્કર ટ્રક પાછળ ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારચાલક 23 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. મૃતક કેશોદનો યુવા ગાયક કિશન સોલંકી હોવાનું બહાર આવતાં તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાત્રે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ નજીક ક્રિષ્ના વોટરપાર્ક પાસે એક ગેસ ટેન્કર ટ્રક બંધ હાલતમાં ઊભો હતો. દરમિયાન પૂરઝડપે આવતી એક કાર ધડાકાભેર ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારની અંદર નજર કરતાં ચાલક યુવકની અત્યંત કરુણ હાલત જોવા મળી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.
બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી હાર્મોનિયમ મળી આવ્યું હતું. આ ઉપરાંત કાર અને યુવકના ખિસ્સામાંથી મળી આવેલા દસ્તાવેજોના આધારે મૃતકની ઓળખ મેળવવામાં આવી હતી.
મૃતકની ઓળખ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગંગનાથપરા વિસ્તારમાં રહેતા કિશન રતનભાઈ સોલંકી (ઉં.વ.23) તરીકે થઈ હતી. કિશન ગાયક કલાકાર હતો અને વિવિધ ડાયરા સહિતના કાર્યક્રમોમાં સિંગર તરીકે પોતાની કલા રજૂ કરવા જતો હતો. અકસ્માત સમયે પણ તે અમદાવાદ તરફ કોઈ કાર્યક્રમમાં જવા નીકળ્યો હોવાનું પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું. કિશન ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. નાની ઉંમરે ગાયકીના ક્ષેત્રમાં આગળ વધી રહેલા કિશનના અચાનક મોતના સમાચારથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. કિશનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પરિવારની આશાઓનો એકમાત્ર આધાર અને ચાર બહેનોનો લાડકવાયો ભાઈ કિશન કાળનો કોળિયો બની જતાં કેશોદમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. યુવાન વયે જ ગાયક કલાકારની જિંદગીનો કરુણ અંત આવતાં પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.


