જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
રિપોર્ટ ગુપ્ત રખાયો, અધિકારીઓ સામે કાર્યવાહી થશે? ચર્ચા : મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ કલેકટરને સોંપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ફરી ચર્ચા શરૂ થઈ છે. ડિમોલેશન દરમિયાન થયેલા રૂ. 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપવામાં આવ્યો છે. જોકે, રિપોર્ટ રજૂ થયા બાદ કમિશનર 10 દિવસની રજા પર ઉતરી જતાં મનપાના વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. હાલ રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે અને બે અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા ચર્ચાઈ રહી છે.
જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચમાં ખાણીપીણીનાં લાખો રૂપિયાનાં બિલ, વીડિયો શૂટિંગ અને ડ્રોનનાં બિલ ચર્ચામાં રહ્યાં છે. આ ઉપરાંત પાણીની બોટલો પાછળ થયેલો રૂ. 22 લાખનો ખર્ચ પણ અગાઉ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તપાસ રિપોર્ટમાં આ ખર્ચ અંગે શું વિગતો સામે આવી છે તે જાણવાની ઉત્સુકતા છે.
તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ સોંપાયા બાદ તેઓ 10 દિવસની રજા પર ઉતર્યા છે. આ દરમિયાન રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશને મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રૂ. 2.73 કરોડના ખર્ચ અંગેના રિપોર્ટમાં 2 અધિકારીઓ સામે કાર્યવાહીનો ખતરો હોવાની ચર્ચા છે. જોકે, રિપોર્ટ જાહેર ન થયો હોવાથી તપાસમાં કોની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને કયા અધિકારીઓ સામે પગલાં લેવાની ભલામણ છે તે સ્પષ્ટ થયું નથી.
20મીએ જનરલ બોર્ડ, હવે શું થશે?
રાજકોટ મનપાનું જનરલ બોર્ડ 20 નવેમ્બરે મળવાનું છે. ત્યારે જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચનો મુદ્દો ફરી ગાજે તેવી શક્યતા છે. કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળનારા કલેક્ટર ઓમપ્રકાશ રિપોર્ટ જાહેર કરશે કે નહીં? તપાસમાં જવાબદાર ઠરનારા અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં? આ સવાલોના જવાબની રાહ જોવાઈ રહી છે.


