ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે
૧૮.૬ ડિગ્રી સાથે નલિયા અને અમરેલી સૌથી ઠંડા શહેર, રાજકોટમાં ૨૧.૭ ડિગ્રી : બપોરના સમયે બફારો યથાવત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત આગામી 24 કલાક દરમિયાન ઠંડી જમાવટ કરે તેવી શક્યતા છે. હાલ રાત્રે અને વહેલી સવારે કેટલાક ભાગોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે હજી પણ કેટલાક ભાગોમાં જોઇએ તેવી ઠંડી વર્તાઇ રહી નથી. ત્યારે હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
જોકે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જેને પગલે હાલ જે ઠંડી વર્તાઇ રહી છે તેના કરતા વધુ ઠંડી આગામી દિવસોમાં ગુજરાતમાં અનુભવાઇ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બની ‘વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોર્મ’માં ફેરવાશે અને 20 નવેમ્બરે આંધ્રપ્રદેશ તથા યાનમ કિનારે ટકરાશે.
હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ રાત્રીનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના પગલે હાલ જે ઠંડી રાત્રે અને વહેલી સવારે અનુભવાઇ રહી છે તેમાં ચમકારો જોવા મળી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો બદલાવ જોવા મળ્યો નથી. 18.6 ડિગ્રી સાથે નલિયા અને અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં અને અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ વડોદરામાં 19.4, મહુવામાં 19.9, સુરતમાં 20, ગાંધીનગરમાં 20.5, કેશોદમાં 21.2, અમદાવાદમાં 21.2, પોરબંદરમાં 21.5, ભાવનગરમાં 21.6, રાજકોટમાં 21.7, ડીસામાં 21.8, ભુજમાં 22.2, વેરાવળમાં 22.7, સુરેન્દ્રનગરમાં 22.8, કંડલા પોર્ટમાં 23.3, દ્વારકામાં 24.2 અને ઓખામાં 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 36.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ભુજમાં 36 ડિગ્રી, રાજકોટમાં 35.9, ડીસામાં 35.5, કેશોદમાં 34.6, કંડલા પોર્ટમાં 34.5, અમરેલીમાં 34.5, સુરેન્દ્રનગરમાં 34.5, વલ્લભ વિદ્યાનગરમાં 34.1, વડોદરામાં 34, સુરતમાં 33.9, મહુવામાં 33.6, અમદાવાદમાં 33.5, ગાંધીનગરમાં 33.5, પોરબંદરમાં 33, ભાવનગરમાં 32.7, વેરાવળમાં 32.7, દ્વારકામાં 31.4, ઓખામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.


