છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
25 ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂ.38.74 લાખના વિદેશી દારૂનો પારડી-ઢોલરા રોડ પર ખોડિયાર ધામ પાસે શાપર પોલીસે કર્યો નાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરી શાપર પોલીસે છેલ્લા છ મહિનામાં અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો આખરે નાશ કર્યો છે. કોટડાસાંગાણી કોર્ટની મંજૂરી બાદ પારડીથી ઢોલરા તરફ જવાના માર્ગ પર આવેલા ખોડિયાર ધામ ખાતે રોડ રોલર ફેરવીને કુલ 8,923 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂની બજારકિંમત રૂ.38,74,457 થવા જાય છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર રહેલા મુદ્દામાલનો કાયદેસર નિકાલ કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ઈન્ચાર્જ એએસપી ડો. નવીન ચક્રવર્તી દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મુદ્દામાલના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં દારૂના કુલ 25 ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવા કોટડાસાંગાણીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી. અદાલતની મંજૂરી મળ્યા બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, રાજકોટ શહેર-2 દ્વારા નાશની કાર્યવાહી માટે તારીખ અને સમય નક્કી કરી ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. નક્કી કરાયેલા સ્થળે ઈન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક ડો. નવીન ચક્રવર્તી અને શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. રાણા સહિતના અધિકારીઓની હાજરીમાં જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ 8,923 બોટલો પર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આમ, છેલ્લા છ મહિનામાં નોંધાયેલા 25 દારૂના ગુનાઓમાં જપ્ત થયેલા રૂ.38.74 લાખના મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


