TAT-HSના પરિણામ જાહેર, 30 હજાર શિક્ષકો નાપાસ થતા વિવાદ
47 હજાર પૈકી માત્ર 16 હજાર પાસ, નાપાસ ઉમેદવારોનો પરીક્ષા બોર્ડ સામે મોરચો : તપાસની માંગ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી (TAT-HS) મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્યભરમાંથી પરીક્ષા આપનારા હજારો ઉમેદવારો પરિણામથી અસંતુષ્ટ છે. આશરે 47 હજાર ઉમેદવારોમાંથી માત્ર 16 હજાર જેટલા જ પાસ થતાં અને 30 હજારથી વધુ ઉમેદવારો નાપાસ જાહેર થતાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામ સામે વિરોધ નોંધાવવા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોએ સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી હતી. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમણે ખૂબ મહેનતથી પરીક્ષા આપી હોવા છતાં પરિણામ અપેક્ષા કરતાં ઘણું ઓછું આવ્યું છે. ખાસ કરીને ગુણવત્તાસભર શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો, ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. ના ઉમેદવારોનાં પરિણામો પણ અપેક્ષા મુજબ ન આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
વિરોધ કરી રહેલા ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ કેટલીક મુખ્ય માગણીઓ રજૂ કરી છે. તેમાં બંને પેપરના માર્ક અલગ-અલગ જાહેર કરવાની માગ સૌથી મહત્ત્વની છે. ઉમેદવારોની અન્ય માગણીઓમાં દરેક પરીક્ષાર્થીની ઉત્તરવહી અને આન્સર કી જાહેર કરવી, મૂલ્યાંકન પદ્ધતિના નિયમો સ્પષ્ટ કરવા અને પેપર-1 આપનારા નાપાસ ઉમેદવારોને તેમના પરિણામ અંગે વિગતવાર માહિતી આપવાનો સમાવેશ થાય છે.
ઉમેદવારોના વિરોધ અને આવેદનપત્ર બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે બોર્ડ દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે અને ઉમેદવારોની માગણીઓ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે. TAT-HSના પરિણામને લઈને ઊભો થયેલો આ વિવાદ માત્ર પરીક્ષાના માર્ક પૂરતો મર્યાદિત નથી, પરંતુ હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તેથી પરિણામની પારદર્શિતા અને મૂલ્યાંકનની નિષ્પક્ષતા અંગે સ્પષ્ટતા થવી જરૂરી બની છે.
‘પરિણામની આંકડાકીય વિસંગતતાઓની તપાસ થવી જોઈએ’: પરીક્ષાર્થી
વિરોધ પ્રદર્શન અંગે પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે ઉમેદવારોએ ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામમાં આવેલા આંકડાકીય તફાવતો અને અણધાર્યા માર્કને કારણે તેમના ભવિષ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે. તેમણે રાજ્ય પરીક્ષા બોર્ડને આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરી હતી. ઉમેદવારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અને પરિણામ અંગેની તમામ શંકાઓનું નિરાકરણ આવે તેવી માગ પણ તેમણે કરી હતી.


