પોતાની મરજીથી લગ્ન કરનાર પુખ્ત યુવક-યુવતીને હેરાન કરી શકાય નહી
પોલીસ રક્ષણ માંગતી અરજી પર ગુજરાત હાઇકોર્ટનો આદેશ
અગ્ર ગુજરાત, અમદાવાદ
જ્યારે કોઈ પુખ્ત વયના યુવક અને યુવતીઓ પોતાની પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરે ત્યારે તેમના કાયકાદીય હકો અને અધિકારોની રક્ષા આપતો એક મહત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક સુનાવણી દરમિયાન આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, જો કોઈ યુવતી કે યુવક કાયદાકીય રીતે પુખ્ત હોય અને તેઓએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોય તો તેમના વૈવાહિક કે અંગત જીવનમાં પરિવાર કે પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહી.
કેસની વિગતે વાત કરીએ તો, કાયદાકીય પુખ્ત વયના યુવક અને યુવતીએ ગત 26 ઓક્ટોબરના રોજ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2026 હેઠળ કાયદેસર રીતે લગ્નને રજિસ્ટર્ડ પણ કરાવ્યા હતા. તેમ છતાં એક ફરિયાદને આધારે પોલીસે જાણવાજોગ નોંધીને નવદંપતીને હેરાન કરવાનું શરુ કર્યું હોવાનો આક્ષેપ છે. તેમજ પોલીસ દ્વારા બંનેના લગ્નમાં સાક્ષી બનેલ વ્યક્તિને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની હેરાનગતિથી બચવા દંપતિએ હાઈકોર્ટમાં પોલીસ રક્ષણની માંગ કરતી અરજી કરી હતી. જેને જસ્ટિસ મૂલચંદ ત્યાગીની ખંડપીઠે મંજૂરી આપીને દંપતિને મોટી રાહત આપી છે.
ગુજરાતમાં પ્રેમલગ્ન બાદ પરિવાર કે પોલીસના ડરથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સપ્ટેમ્બરથી ઓકટોબર 2026ના બે મહિનાના સમયગાળામાં જ પોલીસ રક્ષણ માંગતી ત્રણ અરજીઓ દાખલ થઈ હતી જેમાં 16 સપ્ટેમ્બરે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના દંપતીએ અરજી કરી હતી, 14 ઓક્ટોબરે પાટણના વરાહી પોલીસ સ્ટેશન વિસ્તારના દંપતીએ હાઈકોર્ટની શરણ લીધી હતી, 23 સપ્ટેમ્બરે નવસારીના મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના યુગલે રક્ષણ માંગ્યું હતું.


