ઉનાની શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલનાં ૫૦ વર્ષ પૂર્ણ; શનિવારે યોજાશે ‘સુવર્ણ જયંતિ મહોત્સવ’
વર્ષ ૧૯૭૬થી દીકરીઓના જીવનમાં જ્ઞાનનો ઉજાસ પાથરતી સંસ્થાના ઐતિહાસિક અવસરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, દાતાઓ અને ગુરુજનોનો થશે મહાસંગમ
સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘સુવર્ણ સ્મરણિકા’નું વિમોચન, ઐતિહાસિક ફોટો ગેલેરી અને સ્નેહમિલન સહિતના વિવિધ આકર્ષણો
અગ્ર ગુજરાત, ઉના
જ્ઞાનનો દીપ પ્રગટાવીને દીકરીઓના જીવનમાં શિક્ષણનો ઉજાસ પાથરવો અને સંસ્કારસભર સમાજના નિર્માણમાં યોગદાન આપવું એ પેઢીઓના ભવિષ્યને ઘડવાનું પવિત્ર કાર્ય છે. આવા જ ઉમદા ધ્યેય સાથે વર્ષ ૧૯૭૬માં શરૂ થયેલી ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલે પોતાની ગૌરવશાળી શૈક્ષણિક યાત્રાનાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અર્ધશતાબ્દીની યાદગાર સફરને ઉજવવા આગામી તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ (શનિવાર) ના રોજ ભવ્ય ‘સુવર્ણ જયંતિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
પાંચ દાયકાના સંઘર્ષ, સમર્પણ અને શૈક્ષણિક પ્રગતિને યાદ કરતા આ ઐતિહાસિક પ્રસંગે દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. વર્ષો પહેલાં શાળાના આંગણે ભણેલી દીકરીઓ ફરી એકવાર પોતાના પ્રાંગણમાં એકત્રિત થઈ ગુરુજનો અને સહેલીઓ સાથે જૂની યાદો, સંસ્મરણો અને જીવનની સફળતાની વાતો તાજી કરશે. કાર્યક્રમનો પ્રારંભ દાતાઓના સામૈયા અને દીપ પ્રાગટ્ય સાથે થશે. ત્યારબાદ મહાનુભાવો અને દાતાઓનું સ્વાગત તથા સન્માન કરાશે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. આ પ્રસંગે સંસ્થાની ૫૦ વર્ષની ગૌરવગાથાને આવરી લેતી વિશેષ ‘સુવર્ણ સ્મરણિકા’નું વિમોચન પણ કરવામાં આવશે. શાળાની અત્યાર સુધીની સફર, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને યાદગાર પ્રસંગોની તસવીરો દર્શાવતી વિશેષ ફોટો ગેલેરી તૈયાર કરાશે. સમારોહના અંતે આભારવિધિ બાદ ઉપસ્થિત સૌ સાથે સ્નેહભોજન લેશે.
પાંચ દાયકાની આ યાત્રામાં અહીંથી શિક્ષણ મેળવીને અનેક દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરી છે, જેની પાછળ સંચાલકો, શિક્ષકો અને દાતાઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
આ સુવર્ણ અવસરને યાદગાર બનાવવા સંસ્થાના પ્રમુખ જિતેન્દ્રકુમાર જે. શેઠ, ઉપપ્રમુખ દીપકભાઈ સી. શાહ, મંત્રી કિરીટભાઈ ડી. દેસાઈ, આચાર્યા દીપ્તિબેન પી. ગોસ્વામી, ખજાનચી સૂર્યકાંતભાઈ સી. ગાંધી સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ છે. સંસ્થા દ્વારા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, પૂર્વ અને વર્તમાન ગુરુજનો, વાલીઓ, દાતાઓ તથા નગરજનોને આ ગૌરવશાળી મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


