રાજકોટમાં 17 વર્ષની સગીરાથી લઈ 48 વર્ષના યુવક સહિત પાંચના હાર્ટફેલથી મોત
ઘરે જ અચાનક બેભાન થયા બાદ પાંચેયને સિવિલ હોસ્પિટલ ખસેડાયા, સારવાર મળે તે પહેલાં અને સારવાર દરમિયાન મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં અચાનક બેભાન થઈ જવાના અને મોત નીપજવાના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. ત્યારે એક જ દિવસમાં 17 વર્ષીય સગીરા, બે મહિલાઓ અને બે યુવકો સહિત પાંચ વ્યક્તિઓના મોતથી અરેરાટી ફેલાઈ છે. પાંચેય વ્યક્તિઓ પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્યના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રથમ બનાવમાં કાલાવડ રોડ પર નિરાલી રિસોર્ટ સામે આવેલા સોનલ પાર્કમાં રહેતી 17 વર્ષીય અંજુબા પ્રવિણસિંહ સોલંકી પોતાના ઘરે હતી ત્યારે અચાનક બેભાન થઈ ગઈ હતી. પરિવારજનો તાત્કાલિક તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. નાની ઉંમરની દીકરીના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
બીજા બનાવમાં ચુનારાવાડ શેરી નંબર-11માં રહેતાં 42 વર્ષીય કંચનબેન દીપકભાઈ ગુજરીયા ગઈકાલે રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયાં હતાં. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યાં હતાં.
ત્રીજા બનાવમાં સીતારામ કોમ્પ્લેક્સમાં રહેતાં 44 વર્ષીય ચેતનાબેન અશોકભાઈ રાદડિયા પણ ગઈકાલે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયાં હતાં. પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ પહોંચે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
ચોથા બનાવમાં કોઠારિયા મેઈન રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ આવેલી સૂર્યોદય સોસાયટીમાં રહેતા 48 વર્ષીય જયેશભાઈ યશવંતરાય જાની આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે બીમારીના કારણે બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જયેશભાઈ બે ભાઈ અને બે બહેનમાં નાના હતા અને કારખાનામાં નોકરી કરતા હતા. તેમને અગાઉ પેરાલિસિસનો હુમલો આવ્યો હતો અને સારવાર ચાલુ હતી. શનિવારે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યાં અચાનક આ બનાવ બનતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
પાંચમા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ પોલીસ ચોકી પાછળ આવેલી શ્રીનાથજી મંડપવાળી શેરીમાં રહેતા 40 વર્ષીય નિલેશભાઈ ચતુરભુજભાઈ ચૌહાણ રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે ઊલટી થયા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના વતની નિલેશભાઈ અહીં શ્રીજી મંડપમાં મજૂરી કામ કરતા હતા. તેઓ એક ભાઈ અને બે બહેનમાં વચેટ હતા અને સંતાનમાં બે પુત્ર છે.
એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓના અચાનક મોતના આ બનાવોએ શહેરમાં ચકચાર જગાવી છે. ખાસ કરીને 17 વર્ષની સગીરાના મોતે લોકોમાં ચિંતા જગાવી છે. જોકે, આ તમામ મૃત્યુનું ચોક્કસ કારણ હૃદયરોગ જ હતું એવું તબીબી પુષ્ટિ વિના કહી શકાય નહીં.


