હવાની ગુણવત્તા વધુ ખરાબ થઇ
રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો
રાજયમાં વધેલા પ્રદુષણથી આરોગ્ય પર ગંભીર અસર : શ્વસનતંત્રના 3૮ ટકા, હૃદયના 3૨ ટકા, ન્યુમોનિયાના ૧૭ અને બ્રોન્કાઇટિસના ૧૧ ટકા કલેમ
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રદૂષિત હવા હવે માત્ર શ્વાસની તકલીફ કે પર્યાવરણની સમસ્યા પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ ગુજરાતીઓના આરોગ્યની સાથે તેમના ખિસ્સા પર પણ મોટો બોજ બની રહી છે.
રાજ્યમાં પ્રદૂષણને કારણે થતી બીમારીઓના આરોગ્ય વીમા ક્લેમ માત્ર ત્રણ વર્ષમાં 3.7 ગણા વધી ગયા છે. અમદાવાદમાં સૌથી વધુ ક્લેમ નોંધાયા છે, જ્યારે વલસાડમાં ક્લેમની સંખ્યા 10 ગણાથી પણ વધુ વધી છે. ચિંતાજનક બાબત એ છે કે શ્વસનતંત્રની બીમારીઓની સાથે હૃદયરોગના કેસ પણ વધી રહ્યા છે.
પોલિસીબજારના અહેવાલ પ્રમાણે ગુજરાતનાં છ શહેરોમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના વીમા ક્લેમમાં 3.7 ગણો વધારો થયો છે. રાજ્યમાં આવા ક્લેમની સંખ્યા નાણાકીય વર્ષ 2023માં 408 હતી, જે નાણાકીય વર્ષ 2026માં વધીને 1,505 થઈ છે. શહેરવાર આંકડામાં અમદાવાદ 561 ક્લેમ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ વડોદરામાં 375 અને સુરતમાં 367 ક્લેમ નોંધાયા છે. વલસાડમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અહીં ક્લેમની સંખ્યા 6થી વધીને 62 થઈ છે, એટલે કે 10 ગણાથી વધુ વધારો થયો છે. આ અભ્યાસ ગુજરાતમાં 4,000 અને સમગ્ર ભારતમાં 94,000 લોકોના નમૂનાના આધારે કરવામાં આવ્યો હતો.
અભ્યાસ પ્રમાણે કુલ ક્લેમમાં 38 ટકા શ્વસનતંત્રના ચેપ, 32 ટકા હૃદય અને રક્તવાહિની સંબંધિત બીમારીઓ, 17 ટકા ન્યુમોનિયા અને 11 ટકા બ્રોન્કાઇટિસના છે. આમ, શ્વસન અને હૃદય સંબંધિત બીમારીઓના ક્લેમ મળીને દર 10માંથી 7 જેટલા છે.
ઓક્ટોબરથી માર્ચ દરમિયાન કુલ ક્લેમના 55થી 60 ટકા નોંધાય છે. આ સમયગાળામાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થાય છે. પ્રદૂષણનો આર્થિક બોજ મુખ્યત્વે કામકાજની ઉંમરના લોકો પર પડી રહ્યો છે. 31થી 55 વર્ષની વયજૂથના લોકો કુલ ક્લેમમાં 67 ટકા હિસ્સો ધરાવે છે. 55 વર્ષથી વધુ વયના લોકોનો હિસ્સો 23 ટકા છે. 21થી 30 વર્ષની વયજૂથનો હિસ્સો 8 ટકા, જ્યારે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો હિસ્સો 3 ટકા છે.
અમદાવાદના ફેફસાંના નિષ્ણાત ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, બાંધકામની પ્રવૃત્તિ અને વાહનોના વધતા પ્રદૂષણને કારણે આવા દર્દીઓ વધી રહ્યા છે. પ્રદૂષણમાં રહેલા પીએમ 2.5 અને પીએમ 10 જેવા સૂક્ષ્મ કણો શ્વસનતંત્રને અસર કરે છે. ધૂમ્રપાન ન કરતા લોકોમાં પણ સીઓપીડી (COPD)ના કેસ વધી રહ્યા છે. અગાઉ ધૂમ્રપાન ન કરતા લોકોમાં સીઓપીડીનું એક મોટું કારણ બાયોમાસ ઇંધણના ધુમાડાનો સંપર્ક હતો.


