મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન
‘નાદ-નિનાદ’ કાર્યક્રમમાં ભાવિન શાસ્ત્રીના સૂરીલા સ્વર સાથે ભક્તિ સંગીત, સુફી અને ફિલ્મી ગીતોની સંગીતમય સફર, શહેરીજનો માણશે
રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનો આવતીકાલે પ3મો સ્થાપના દિવસ છે. મહાનગરપાલિકાના ૫૩મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ સમાન ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાસ્ત્રી પ્રસ્તુત ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધાના વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત આ અવસરે પ્રેરણાદાયી ઉપસ્થિતિ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે તેમજ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડૉ.ઓમ પ્રકાશ, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહેશે.
તા.૧૯-૧૧-૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ભક્તિ સંગીત, સુફી સંગીત તથા લોકપ્રિય ફિલ્મી ગીતોની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાના ૫૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની સાથે નાગરિકો માટે મનોરંજન અને કલાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેર માત્ર વિકાસ અને આધુનિક માળખાકીય સુવિધાઓ માટે જ નહીં, પરંતુ કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યની સમૃદ્ધ પરંપરા માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. આ પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યા અંતર્ગત ભાવસભર ભક્તિ ગીતો દ્વારા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ, સુફી સંગીતની સૂરીલી રજૂઆત દ્વારા સંગીતની ઊંડાણભરી અનુભૂતિ તથા લોકપ્રિય ફિલ્મી ગીતો દ્વારા મનોરંજનની યાદગાર કાર્યક્રમ યોજાશે.


