સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને વેગ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં કુલ ૫૫ મિલકતોનું ડિમોલિશન
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મિલકત સંપાદન અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની : ; ૪,૩૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ
અગ્ર ગુજરાત, પ્રભાસ પાટણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં મહત્ત્વાકાંક્ષી ‘સોમનાથ કોરિડોર ડેવલપમેન્ટ’ પ્રોજેક્ટને સાકાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરની આસપાસ મિલકત સંપાદન તેમજ દબાણ દૂર કરવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે, જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં કુલ ૫૫ જેટલી મિલકતો દૂર કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ મેગા ડિમોલિશન અભિયાનમાં પ્રથમ દિવસ (તા. ૧૬ નવેમ્બર): કુલ ૨૮ મિલકતો દૂર કરવામાં આવી. બીજો દિવસ (તા. ૧૭ નવેમ્બર): વધુ ૨૭ મિલકતો પર બુલડોઝર ફેરવી દૂર કરાઈ. બે દિવસમાં દૂર કરાયેલી તમામ ૫૫ મિલકતોનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૪,૩૦૦ ચોરસ મીટર જેટલું થાય છે.
સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ માટે જગ્યા ખુલ્લી કરવાની આ પ્રક્રિયા સુચારૂ રૂપે અને ઝડપથી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા મોટા પાયે સંસાધનો કામે લગાડવામાં આવ્યા હતા. બે દિવસની આ સઘન કામગીરીમાં ૮ હિટાચી મશીન, ૨૧ જે.સી.બી. (JCB) મશીન, ૪૪ ટ્રેક્ટર (કાટમાળ હટાવવા માટે), ૩૪ શ્રમિકો (મેન્યૂઅલ તોડકામ અને સફાઈ માટે) ઉપયોગમાં લેવાયા હતાં. આમ, ભારે મશીનરી અને માનવબળના સંકલન સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરિડોર ડેવલપમેન્ટની કામગીરીને ઝડપી ગતિ આપવામાં આવી છે.


