ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
રિલ્સ જોતી વખતે iBazo ફાઇલ ડાઉનલોડ થઈ અને મોબાઈલ સ્વીચઓફ થઈ ગયો; ત્રણ દિવસમાં ચાર ટ્રાન્ઝેક્શનથી રૂ.1.28 લાખની ઉચાપત
અગ્ર ગુજરાત, રાજકોટ
સોશિયલ મીડિયામાં રિલ્સ જોવાનો શોખ એક યુવાનને મોંઘો પડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોતી વખતે દેખાયેલી એક શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાની સાથે જ મોબાઈલમાં iBazo નામની ફાઇલ ડાઉનલોડ થઈ હતી અને ફોન અચાનક સ્વીચઓફ થઈ ગયો હતો. આ એપ્લિકેશન ડીલીટ કરવાનો પ્રયાસ કરવા છતાં સફળતા મળી નહોતી. દરમિયાન સાયબર ઠગોએ યુવાનના બેંક ખાતામાં હાથફેરો કરી ત્રણ દિવસમાં ચાર ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.1,28,675 ઉપાડી લીધા હતા. યુવાનના ખાતામાં અંતે માત્ર રૂ.70 જ બેલેન્સ બચ્યું હતું. આ બનાવ અંગે મેટોડા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, કાલાવડ રોડ પર આવેલા વડવાજડી ગામે રહેતા 33 વર્ષીય ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ ખેરડીયા મેટોડા જીઆઈડીસી ગેટ નંબર-2 પાસે આવેલી પ્રીસાઇઝ ટેકનોકાસ્ટ કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી ક્વોલિટી કંટ્રોલર તરીકે નોકરી કરે છે. ગત તા.8ના રોજ રાત્રિના સમયે તેઓ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક એપ્લિકેશનની લિંક જોવા મળી હતી, જેમાં iBazo નામની ફાઇલ દર્શાવાઈ હતી.
ઇન્દ્રજીતસિંહે આ લિંક પર ક્લિક કરતાં જ તેમનો મોબાઈલ ઓટોમેટિક સ્વીચઓફ થઈ ગયો હતો. થોડા સમય બાદ ફોન ફરી ચાલુ કરતાં મોબાઈલમાં iBazo એપ્લિકેશન ડાઉનલોડ થયેલી જોવા મળી હતી. શંકા જતાં તેમણે આ એપ્લિકેશન ડીલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અનેક પ્રયત્નો છતાં એપ્લિકેશન હટાવી શકાઈ નહોતી. આ ઘટનાના પગલે તેમણે તાત્કાલિક ફોન-પે મારફતે બેંક ખાતાની તપાસ કરી હતી, ત્યારે શરૂઆતમાં કોઈ રકમ ઉપડી હોવાનું જણાયું નહોતું. જોકે, બીજા દિવસે તેઓ રાજકોટના કાલાવડ રોડ પર ખરીદી કરવા ગયા હતા અને ફોન-પે મારફતે પેમેન્ટ કરવાનો પ્રયાસ કરતાં ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાનો મેસેજ મળ્યો હતો.
આથી તેમણે બેંક ખાતાનું બેલેન્સ ચેક કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ગત તા.9ના રોજ ત્રણ વખત અને તા.10ના રોજ એક વખત એમ કુલ ચાર ટ્રાન્ઝેક્શન મારફતે ખાતામાંથી રૂ.1,28,675 ઉપડી ગયા હતા. એક સમયે સારી એવી રકમ ધરાવતા ખાતામાં માત્ર રૂ.70 જ બાકી રહ્યા હતા.
આ ઘટનાથી ભોગ બનનાર યુવાનને આંચકો લાગ્યો હતો. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં સાયબર છેતરપિંડી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ નાણાં કયા ખાતાઓમાં ટ્રાન્સફર થયા, શંકાસ્પદ એપ્લિકેશન મારફતે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો અને ઠગાઈ પાછળ કોણ જવાબદાર છે તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


