વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો
ગાંધીનગરમાં બીજા દિવસે પણ આંદોલન યથાવત : પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી લડતની જાહેરાત
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન યથાવત રહ્યું છે. આંદોલનના બીજા દિવસે પણ ઉમેદવારો છાવણીમાં એકત્ર થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે 19 મહિના વીતી ગયા હોવા છતાં ભરતી પ્રક્રિયા આગળ વધી નથી. જ્યાં સુધી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો તેમણે નિર્ણય વ્યક્ત કર્યો છે.
ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, વ્યાયામ શિક્ષકોની ભરતી માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. અગાઉ પણ તેમણે આ મુદ્દે 32 દિવસ સુધી આંદોલન કર્યું હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં ભરતી અંગે કોઈ અંતિમ જાહેરાત ન થતાં ઉમેદવારો ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા છે.
આંદોલન કરી રહેલા ઉમેદવારોનો દાવો છે કે મુખ્યમંત્રીએ ભરતી અંગે સહમતી આપી હતી અને બજેટમાં જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. તેમ છતાં નિયમોના બહાને ભરતી પ્રક્રિયામાં વધુ સમય લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.
ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આશ્વાસનથી હવે સંતોષ નહીં થાય. ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવે ત્યાર બાદ જ આંદોલન સમેટવા અંગે વિચારણા કરવામાં આવશે. જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી છાવણીમાં વિરોધ અને લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


