લાઠીના અડતાળામાં ગ્રામજનોને ઉપસરપંચે રિવોલ્વર બતાવી ધોકાથી માર માર્યો
પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે મારામારી: રોષે ભરાયેલા ગ્રામજનોના ટોળેટોળાં લાઠી પોલીસ સ્ટેશન ઉમટ્યા
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીના પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને સ્થાનિક ઉપસરપંચ વચ્ચે મામલો ઉગ્ર બનતા લાઈવ મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. અડતાળા ગામના પ્લોટ વિસ્તારમાં પાણી ન મળતું હોવાની રજૂઆત કરવા ગયેલા ગામનાં લોકો પર અડતાળા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ વાળાએ ધોકા અને રિવોલ્વર સાથે મારામારી કરી હતી. અડતાળા ગામના પ્લોટ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા હોવાથી સ્થાનિક ગ્રામજનો ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુભાઈ વાળા પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. રજૂઆત દરમિયાન બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા ઉપસરપંચ જીતુભાઈ વાળા એક હાથમાં ધોકો અને બીજા હાથમાં રિવોલ્વર સાથે જાહેરમાં આવી ગયા હતાં. અને ગ્રામજનો પર ધોકા વડે મારમાર્યો હતો. નેતાજી દ્વારા એક હાથમાં ધોકો અને બીજા હાથમાં રિવોલ્વર લહેરાવીને કરવામાં આવેલી આ મારામારીનો લાઈવ વીડિયો સ્થાનિક લોકોએ ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. ઉપસરપંચ દ્વારા પાણીની રજૂઆત કરવા ગયેલા લોકોને ડરાવી માર મારતા રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બનતા જ ગામમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. જોકે મોટી સંખ્યામાં અડતાળાના ગ્રામજનો તાત્કાલિક લાઠી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. જાહેરમાં આતંક મચાવનાર ઉપસરપંચ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોએ પોલીસ મથકમાં ઉગ્ર રજૂઆત કરી હતી. હાલ લાઠી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


