રાજકોટ રેલવે ડિવિઝનના ૭૭૪ કર્મચારીઓ ગરીબી રેખા હેઠળ
રેશનકાર્ડની યાદીમાં નામ જાહેર થતા ચકચાર : તા.૧૫ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરી તપાસનો રિપોર્ટ સોંપવા આદેશ : પાંચ ગેઝેટેડ ઓફિસર પણ સામેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગરીબોને સસ્તા અનાજ માટે આપવામાં આવતા રેશનકાર્ડની યાદીમાં રાજકોટ રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓના નામ ખૂલતા ચર્ચા જાગી છે. રાજકોટ રેલવેના 5 ગેઝેટેડ ઓફિસર સહિત 774 કર્મીઓ ગરીબોના રેશનકાર્ડની યાદીમાં જહેર થયા છે.
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની તપાસમાં દેશભરના 1,82,283 સેવારત રેલવે કર્મચારીઓ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ રેશનકાર્ડ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ યાદીમાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના કુલ 774 કર્મચારીઓના નામ સામેલ છે. રેલવે બોર્ડ અને પશ્ચિમ રેલવેએ આ મામલે કડક વલણ અપનાવીને 15 ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરીને તપાસનો રિપોર્ટ માગ્યો છે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સંયુક્ત સચિવે રેલવે મંત્રાલયને પત્ર લખી આ વિગતો મોકલી હતી. ત્યારબાદ રેલવે બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ (G) એસ.કે. રોયે તમામ ઝોનલ રેલવેને પરિપત્ર જાહેર કર્યો હતો. તેના આધારે પશ્ચિમ રેલવેના મુંબઈ હેડક્વાર્ટર ખાતેથી રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રતલામ અને મુંબઈ ડિવિઝનને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવાયું છે.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, યાદીમાં નામ ધરાવતા દરેક અધિકારી કે કર્મચારી સસ્તા અનાજનો લાભ લેવા માટે જ રેશનકાર્ડ ધરાવતા હોય તેવું જરૂરી નથી. ઘણા કર્મચારીઓ માત્ર એડ્રેસ પ્રૂફ (રહેઠાણના પુરાવા) કે અન્ય સરકારી દસ્તાવેજી કામકાજ માટે પણ રેશનકાર્ડ રાખતા હોય છે. આ બાબતની સત્યતા ચકાસવા માટે રાજકોટ ડીઆરએમ (DRM) દ્વારા સંબંધિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે.
રેલવે વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટ ચેક કરીને તપાસ કરાશે કે કર્મચારીએ સબસિડી કે અનાજનો લાભ લીધો છે કે નહીં. જો કોઈ કર્મચારીએ લાભ ન લીધો હોય, તો તેણે તે અંગેનું લેખિત ડિક્લેરેશન (બાંહેધરી પત્રક) જમા કરાવવું પડશે.
રાજકોટ ડિવિઝનની 774 કર્મચારીઓની યાદીમાં ટ્રેક મેન્ટેનર, પોઈન્ટ્સમેન, સ્ટેશન માસ્ટર, લોકો પાઇલટ અને TTI ઉપરાંત ગેઝેટેડ અધિકારીઓના નામ પણ સામેલ છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સંજીવકુમાર, SR DEN/CORD નરેન્દ્રસિંઘ, મેડિકલ વિભાગના ADMO નોનબરાસન એ, સિગ્નલ એન્ડ ટેલિકોમના ASTE દિલીપ જૈન અને એકાઉન્ટ્સ વિભાગના ADFM દેવીસિંઘ સહિતના અધિકારીઓના નામ યાદીમાં હોવાનું ખુલ્યું છે.


