જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા
દારૂ સહિત રૂ.3.3૬ લાખનો મુદામાલ જપ્ત કરતી રેન્જ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે જેતપુર-જૂનાગઢ હાઈવે પર વોચ ગોઠવીને દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ₹૩,૩૬,૭૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સ્ટાફના વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયા, રવીરાજસિંહ વાળા, ભોજાભાઈ ત્રમટા અને ડ્રાઈવર ગોવીંદભાઈ રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ટાટા ઈન્ડિકા વિસ્ટા કાર (રજી. નં. GJ-16-BB-2863) ને અટકાવી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી ૩૯૫ લિટર દેશી દારૂ (કિંમત ₹૭૯,૦૦૦) મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટાટા ઈન્ડિકા કાર, ૩ નંગ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹૩,૩૬,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી (૧) જગદીશ સાજણભાઈ કોડીયાતર (રહે. પંચેશ્વર નેસડો, જિ. જૂનાગઢ), (૨) રાહુલ રત્નાભાઈ ચાવડા (રહે. પંચેશ્વર નેસડો, જિ. જૂનાગઢ) અને (૩) એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની ધોરણસર અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી કિશન ડાયાભાઈ રાઠોડ (રહે. જેતપુર) હાલ ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


