ચક્રાવત એક દિવસ વહેલુ પહોંચ્યું
વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે
૧૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે : આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં અસર થશે
દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત, ભારે વરસાદની પણ આગાહી : સમુદ્રમાં ૧૪ મીટરથી ઊંચા મોજા ઉછળવાની આશંકા
એક મહિનામાં દક્ષિણ દરિયાકાંઠા વિસ્તારમાં ત્રીજુ વાવાઝોડુ ત્રાટકયું : આંધ્રપ્રદેશ-ઓડિશામાં તા.૨૧મી સુધી શાળાઓ-આંગણવાડીઓમાં રજા જાહેર : સ્થાનિક વહિવટી તંત્ર એકશનમાં
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ચક્રવાતી વાવાઝોડું અકવાન અંદાજ કરતાં વહેલું ગુરુવારે બપોર સુધીમાં આંધ્ર પ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. અગાઉ તે શુક્રવારે પહોંચવાની શક્યતા હતી. આ દરમિયાન 90થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતને કારણે ઓડિશાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 6 જિલ્લાઓમાં 19થી 21 નવેમ્બર સુધી તમામ સ્કૂલો અને આંગણવાડીઓ બંધ રહેશે.
વાવાઝોડાની અસર 10 રાજ્યો- તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં રહી શકે છે. IMDએ અગાઉ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની ચેતવણી આપી હતી. રેલવેએ ગુરુવારે દોડનારી ત્રણ ટ્રેનોના પ્રસ્થાનના સમયમાં ફેરફાર કર્યો છે. નૌકાદળ અને અન્ય એજન્સીઓ પણ રાજ્યો સાથે મળીને તોફાનનો સામનો કરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે.
ચક્રવાત અકવાનની સૌથી વધુ અસર આંધ્ર પ્રદેશમાં થવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 અને 20 નવેમ્બરે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 20 નવેમ્બરે વાવાઝોડું નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. NDRFની 13 અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની અને ખેડૂતોને પાકને સુરક્ષિત કરવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિશામાં 18થી 21 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જેવા દક્ષિણના જિલ્લાઓમાં વધુ અસર થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ છે.
સરકારે 8 જિલ્લાઓમાં 2 લાખ 4 હજારથી વધુ લોકોની ઓળખ કરી છે, જેમને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવશે. વહીવટીતંત્રે રાહત કેન્દ્રોને તૈયાર રાખવાની અને સંવેદનશીલ ગામોમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારી કરી છે.
હરભંગી અને બદનાળા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ભારે વરસાદનું પાણી સંગ્રહિત કરવા માટે જગ્યા રહે. સમુદ્રમાં 14 મીટરથી ઊંચા મોજા ઉછળવાની આશંકા છે.
ઉત્તરી તમિલનાડુમાં 18 અને 19 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચેન્નાઈ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે. પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સમુદ્રમાં ઊંચાં મોજાં ઉછળી શકે છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પુડુચેરી અને કરાઈકલમાં 18થી 20 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. સમુદ્રમાં ઊંચાં મોજાં ઉછળી શકે છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. અહીં પણ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રને વરસાદ અને સમુદ્રની સ્થિતિ પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
તેલંગાણામાં 20 અને 21 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. વહીવટીતંત્રને સતર્ક રહેવા અને વરસાદથી અસર થનારા વિસ્તારો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં 19 અને 20 નવેમ્બરે વરસાદ પડી શકે છે. દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 20 અને 21 નવેમ્બરે વરસાદ થવાની આગાહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. રાજ્યમાં ચક્રવાત સીધું અથડાશે નહીં, પરંતુ છત્તીસગઢના કેટલાક ભાગોમાં 20 અને 21 નવેમ્બરે વરસાદ પડી શકે છે. દક્ષિણ અને ઉત્તર જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે.
માછીમારોને દરિયામાં ન જવા આદેશ
માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી ખાસ કરીને 21 નવેમ્બરની સવાર સુધી, દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. આજે અને આવતીકાલે શ્રીકાકુલમથી બાપટલા સુધીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચક્રવાત રાહત માટે કામચલાઉ કેમ્પ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં રહેવા, જમવા, પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઓડિશા સરકારે પણ વાવાઝોડાનો સામનો કરવા માટે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની યોજના બનાવી છે. આ સાથે, ભૂસ્ખલનનું જોખમ ધરાવતા પહાડી વિસ્તારોમાંથી પણ લોકોને બહાર કાઢવામાં આવશે. બચાવ કામગીરી હાથ ધરવા માટે સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ઓડિશા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ODRAF)ની 74થી વધુ ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી છે.
કોસ્ટગાર્ડ-નૌકાદળ હાઇ એલર્ટ પર
દરિયાકાંઠાના જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી પર દેખરેખ રાખવા માટે વરિષ્ઠ IAS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે, મલકાનગિરી જેવા વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોને 19 અને 20 નવેમ્બરના રોજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે પણ બચાવ કામગીરી માટે હાઈ એલર્ટ પર છે. ભારતીય રેલવે પણ વાવાઝોડા ‘અકવાન’નો સામનો કરવા માટે સજ્જ થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પરિસ્થિતિ પર ચોવીસે કલાક નજર રાખવા નિર્દેશ આપ્યો હતો. તેમણે રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા પણ સૂચના આપી હતી.
MPમાં સિઝનમાં પારો 9°Cથી નીચે
બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા ‘અકવાન’ની અસર દેશનાં વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબમાં ધુમ્મસ છવાયેલું છે. પહાડો પર હિમવર્ષાને કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઠંડી વધી ગઈ છે. દિવાળીના 10 દિવસ બાદ પણ દિલ્હીની હવા ખરાબ છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ AIIMS પાસે રહી. અહીં AQI 354 નોંધાયો. અક્ષરધામ મંદિર પાસે AQI 351 રહ્યો. પહાડી રાજ્યોમાં બરફવર્ષાને કારણે મધ્ય પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. આ કારણે સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી નીચે આવી ગયું છે. ગઈ રાત્રે કટનીના કરૌંદીમાં તાપમાન 8.9 ડિગ્રી નોંધાયું હતું. ભોપાલ અને જબલપુર રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પચમઢી કરતાં પણ વધુ ઠંડા રહ્યા છે.
હિમાચલમાં હિમવર્ષાની શક્યતા નથી
હિમાચલ પ્રદેશમાં આગામી 6 દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 24 નવેમ્બર સુધી રાજ્યમાં ક્યાંય પણ વરસાદ કે હિમવર્ષાની શક્યતા નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તડકો રહેશે. તડકો નીકળવાથી દિવસના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની આગાહી છે.


