સામાન્ય વર્ગના પરિવારોને વધુ એક ઝટકો
આયુષ્ય માન કાર્ડમાં ૧૧૨ બિમારીની સારવાર બંધ થશે!
સિઝેરીયન, પથરીનો દુ:ખાવો, યુરિનરી ટ્રેકટ ઇન્ફેકશન, ઝાડા-ઉલ્ટી, મેલેરિયા, હરસ-મસાની સર્જરી જેવી સામાન્ય પરંતુ અત્યંત જરૂરી સારવાર ફરજીયાત સરકારીમાં કરાવી પડશે
જોખમી પ્રસુતિ, ગર્ભાશય કાઢવાનું ઓપરેશન, ગર્ભપાત, કમળો, સ્વાદુપિંડનો સોજો, એનિમિયા, બાયોપ્સી બિમારીનો પણ સમાવેશ કરવા NHAનો પ્રસ્તાવ : તા.૧ ડિસેમ્બરથી નવા નિયમો લાગુ કરવા વિચારણા
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આરોગ્ય સુરક્ષાનું કવચ બનેલી ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (AB PM-JAY) ના નિયમોમાં કેન્દ્ર સરકાર એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) ના એક સત્તાવાર દસ્તાવેજ મુજબ, હવે આયુષ્માન કાર્ડ ધારકોએ સિઝેરિયન ડિલિવરી (C-section), પથરીનો દુખાવો, યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI), ઝાડા-ઉલટી, મેલેરિયા કે હરસ-મસાની સર્જરી જેવી સામાન્ય પરંતુ અત્યંત જરૂરી સારવાર માટે ફરજિયાતપણે સરકારી હોસ્પિટલમાં જવું પડશે. જો દર્દી આ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવશે, તો આયુષ્માન યોજના હેઠળ તેનો ખર્ચ મળશે નહીં અને દર્દીએ પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડશે.
આ યાદી માત્ર સામાન્ય બીમારીઓ પૂરતી મર્યાદિત નથી. તેમાં જોખમી પ્રસૂતિ, ગર્ભાશય કાઢવાનું ઓપરેશન (હિસ્ટરેકટોમી), ગર્ભપાત, કમળો (હિપેટાઇટિસ), સ્વાદુપિંડનો સોજો (પેનક્રીઆટાઇટિસ), લોહીની ગંભીર ઉણપ (એનિમિયા) અને કેન્સરની તપાસ માટે કરવામાં આવતી બાયોપ્સી તેમજ સર્વાઇકલ સ્ક્રીનિંગ જેવી મહત્વની પ્રક્રિયાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. NHA એ સરકારી હોસ્પિટલો માટે અનામત (રિઝર્વ) રાખવામાં આવેલી સારવારની યાદીને ૨૩ થી વધારીને ૧૧૨ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તમામ રાજ્યોને ૨૫ નવેમ્બર સુધીમાં પોતાના સૂચનો મોકલવા જણાવાયું છે અને ૧ ડિસેમ્બર, ૨૦૨૬ થી આ નવો નિયમ સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે.
સરકારનો નવો પ્રસ્તાવ શું છે?
નેશનલ હેલ્થ ઓથોરિટીએ અગાઉથી જ ૨૩ જેટલી સારવાર સરકારી હોસ્પિટલો માટે અનામત રાખી હતી, જેમાં હવે વધુ ૮૯ પ્રક્રિયાઓ ઉમેરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે, હવે કુલ ૧૧૨ સારવાર ખાનગી હોસ્પિટલોના દાયરામાંથી બહાર થઈ જશે. ૧૩ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા સત્તાવાર પત્રમાં તમામ રાજ્યોની હેલ્થ એજન્સીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. આ નવી યાદીમાં ચાર પ્રકારની હિસ્ટરેકટોમી, ગર્ભપાતના તમામ તબક્કા, મેલેરિયા, ગંભીર એનિમિયા, બ્લડ પ્રેશરમાં અચાનક થતો જીવલેણ વધારો અને બાળકોમાં જોવા મળતી ADHD (ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની બીમારી) ની સારવારનો સમાવેશ થાય છે.
સરકારનું કહેવું છે કે ઘણા રાજ્યોએ પહેલેથી જ પોતાના સ્તરે એવી સારવારો સરકારી હોસ્પિટલો માટે અનામત રાખી છે, જે સરકારી દવાખાનાઓમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. પરંતુ દરેક રાજ્યમાં આ નિયમો અલગ-અલગ હોવાથી એકસૂત્રતા જળવાતી ન હતી. તેથી, સમગ્ર દેશમાં એક સમાન નીતિ બનાવવા માટે આ ૧૧૨ સારવારની યાદી તૈયાર કરવામાં આવી છે. એકવાર આ નિયમ લાગુ થઈ ગયા પછી, કોઈ પણ રાજ્ય સરકાર આ યાદીમાં વધારો તો કરી શકશે, પરંતુ જો કોઈ સારવારને આ યાદીમાંથી બહાર કાઢવી હશે તો રાજ્યના આરોગ્ય વિભાગની લેખિત મંજૂરી લેવી ફરજિયાત બનશે.
નવી યાદીમાં એવી ઘણી મહત્વપૂર્ણ તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શરીરમાં થયેલી કોઈ ગાંઠ કે અસામાન્ય વૃદ્ધિ કેન્સર છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવે છે. કેન્સરના નિદાનમાં બાયોપ્સી એ સૌથી પહેલું અને અગત્યનું પગલું હોય છે. જનરલ સર્જરી હેઠળ આવતા લિમ્ફ નોડ બાયોપ્સી અને ગર્ભાશયના અસ્તરની તપાસ માટે થતી એન્ડોમેટ્રિયલ એસ્પિરેશન બાયોપ્સીને હવે સરકારી હોસ્પિટલ પૂરતી મર્યાદિત કરી દેવાઈ છે. આ ઉપરાંત, કેમેરા વડે ગર્ભાશયની તપાસ કરવાની પ્રક્રિયા (હિસ્ટરોસ્કોપી) અને સર્વાઇકલ કેન્સરની તપાસ માટેના પેપ સ્મીયર તેમજ કોલ્પોસ્કોપી જેવા ટેસ્ટ પણ હવે આ જ યાદીમાં સામેલ છે.
આ નવા ફેરફારની સૌથી મોટી અસર સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગ (Obstetrics and Gynaecology) પર પડશે, કારણ કે ઉમેરાયેલી ૮૯ સારવારમાંથી ૨૧ તો માત્ર આ જ વિભાગની છે. અગાઉ ત્રણ પ્રકારની હિસ્ટરેકટોમી સરકારી હોસ્પિટલ માટે અનામત હતી, અને હવે વધુ ચાર પ્રકારની હિસ્ટરેકટોમી તેમાં ઉમેરાઈ છે. આમ, ગર્ભાશય કાઢવાના લગભગ તમામ પ્રકારના ઓપરેશન હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ મફત થશે. આ સાથે ગર્ભાશયની ગાંઠ (ફાઈબ્રોઈડ્સ) કાઢવાનું ઓપરેશન અને ગર્ભપાતની તમામ પ્રક્રિયાઓ પણ ખાનગી હોસ્પિટલોના દાયરામાંથી બહાર થઈ જશે.
બીજી તરફ, જનરલ મેડિસિનની ૨૪ એવી સારવારો પણ આ યાદીમાં મુકાઈ છે, જેમાં દર્દીને અચાનક અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. આમાં બ્લડ પ્રેશરમાં જીવલેણ વધારો, ગંભીર એનિમિયા, શ્વાસની બીમારી (COPD) નો હુમલો, ઝાડા-ઉલટીને કારણે શરીરમાં પાણીની ભારે ઉણપ, મેલેરિયા, ચિકનગુનિયા, અજ્ઞાત તાવ, કમળો, પથરીનો અસહ્ય દુખાવો, લિવરની બીમારી અને ડાયાબિટીસના કારણે પગમાં થતા સડા (ડાયાબિટીક ફૂટ) જેવી ગંભીર સ્થિતિઓનો સમાવેશ થાય છે.
દર્દીઓ પર આ નિર્ણયની સીધી અસર શું થશે?
આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ પરિવારોને વાર્ષિક ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારનું કવચ મળે છે, જેથી મુશ્કેલીના સમયમાં તેમને દેવાદાર ન બનવું પડે. પરંતુ ‘રિઝર્વ પેકેજ’ નો અર્થ એ થાય છે કે આ ૧૧૨ પ્રકારની સારવાર માત્ર યોજના સાથે જોડાયેલી સરકારી હોસ્પિટલો જ બુક કરી શકશે. ખાનગી હોસ્પિટલો આ સારવાર કરી તો શકશે, પરંતુ તેઓ સરકાર પાસેથી આયુષ્માન યોજના હેઠળ તેના પૈસા ક્લેમ કરી શકશે નહીં. આનો સીધો અર્થ એ થયો કે હવે સામાન્ય દર્દી પાસે માત્ર બે જ વિકલ્પ બચશે: કાં તો સરકારી હોસ્પિટલમાં જઈને મફત સારવાર લેવી, અથવા તો ખાનગી હોસ્પિટલમાં જઈને લાખો રૂપિયાનો ખર્ચ જાતે ભોગવવો.
આરોગ્ય નિષ્ણાતોના મતે આ નિર્ણય કેટલો યોગ્ય?
ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ ઇકોનોમિસ્ટ પ્રોફેસર ઇન્દ્રનીલ મુખોપાધ્યાય જણાવે છે કે, “આયુષ્માન યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે. સામાન્ય રીતે ૧૦૦ પ્રસૂતિમાંથી માત્ર ૧૦ થી ૧૫ ટકા કિસ્સામાં જ સિઝેરિયન ડિલિવરીની જરૂર પડતી હોય છે. પરંતુ આ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોમાં આ આંકડો ૪૫ થી ૬૦ ટકા સુધી પહોંચી ગયો છે, અને અમુક રાજ્યોમાં તો ૭૦ થી ૮૦ ટકા ડિલિવરી સિઝેરિયનથી થાય છે. સ્પષ્ટ છે કે આમાંથી મોટાભાગના ઓપરેશન માત્ર પૈસા કમાવવા માટે બિનજરૂરી રીતે કરવામાં આવે છે.” ઘૂંટણ બદલવા, ગર્ભાશય કાઢવા અને મોતિયાના ઓપરેશનમાં પણ આ જ પ્રકારનો દુરુપયોગ થઈ રહ્યો છે. જોકે, આ નિર્ણયની બીજી બાજુ પણ એટલી જ ચિંતાજનક છે. નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આપણી સરકારી હોસ્પિટલો આટલા મોટા ભારણને પહોંચી વળવા માટે સક્ષમ છે? જન સ્વાસ્થ્ય અભિયાન સાથે જોડાયેલા સંશોધક કે.એમ. ગોપાકુમાર કહે છે કે, “સરકારી હોસ્પિટલોમાં માળખાકીય સુવિધાઓ વધાર્યા વિના જો આટલી બધી સારવાર તેમના માથે નાખી દેવામાં આવશે, તો દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળવી મુશ્કેલ બની જશે.“ આઈઆઈટી દિલ્હીના અર્થશાસ્ત્રી રિતિકા ખેરા પણ આ વાત સાથે સહમત થતા જણાવે છે કે, “દેશના તમામ રાજ્યોની સરકારી આરોગ્ય સેવાઓ એકસરખી નથી. કેરળ કે તમિલનાડુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં જે સુવિધાઓ સરળતાથી મળી રહે છે, તે બિહાર કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં જિલ્લા કક્ષાની મોટી હોસ્પિટલોમાં પણ માંડ ઉપલબ્ધ હોય છે.” ટૂંકમાં, જો સરકારી હોસ્પિટલોની ક્ષમતા વધાર્યા વિના આ નિયમ લાગુ કરાશે, તો ઈમરજન્સીના સમયે ગરીબ દર્દીઓની હાલત વધુ કફોડી બની શકે છે.


