પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલમાં કરાયેલો દાવો
૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે
મુસ્લિમ સમુદાયની સંખ્યા સૌથી વધુ અને ઇસ્લામ સૌથી મોટો ધર્મ હશે : ખ્રિસ્તીઓ બીજા નંબરે
૨૦3૫ સુધીમાં મુસ્લિમોની જનસંખ્યા ૨.૫૭ અબજ અને ખ્રિસ્તીઓ ૨.૫૨ અબજ સુધી પહોંચી જશે
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
વિશ્વભરમાં ધાર્મિક વસ્તીનું ચિત્ર આગામી વર્ષોમાં બદલાઈ શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 18 નવેમ્બર 2026ના રોજ જાહેર થયેલા નવા અહેવાલમાં વિશ્વના મુખ્ય ધર્મોની વસ્તી અંગે મહત્વપૂર્ણ અનુમાનો રજૂ કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર, મુસ્લિમોની વસ્તી વૃદ્ધિનો દર અન્ય મોટા ધાર્મિક સમુદાયોની સરખામણીએ વધારે રહેવાની શક્યતા છે. જો વર્તમાન વસ્તી વધારાના વલણો યથાવત્ રહેશે તો વર્ષ 2035 સુધીમાં મુસ્લિમોની સંખ્યા ખ્રિસ્તીઓ કરતાં વધી શકે છે. આ સાથે ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમુદાય બની શકે છે. આ અહેવાલમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સહિતના દેશોની ધાર્મિક વસ્તી અંગે પણ આગાહી કરવામાં આવી છે.
પ્યુ રિસર્ચના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મુસ્લિમોની વસ્તી ઝડપથી વધવા પાછળનું સૌથી મોટું કારણ ઊંચો પ્રજનન દર અને યુવા વસ્તી છે. ધર્મ પરિવર્તન કરતાં જન્મદર આ વૃદ્ધિમાં વધારે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. 2020થી 2025ના સમયગાળામાં મુસ્લિમ મહિલાઓનો સરેરાશ પ્રજનન દર પ્રતિ મહિલા 3.1 બાળકો રહ્યો હતો. તેની સરખામણીએ ખ્રિસ્તી મહિલાઓમાં આ દર 2.5 અને અન્ય ધર્મોના સમુદાયોમાં સરેરાશ 1.6 બાળકો નોંધાયો હતો. સામાન્ય રીતે એક પેઢીની વસ્તી જાળવી રાખવા માટે પ્રતિ મહિલા 2.1 બાળકોનો પ્રજનન દર જરૂરી માનવામાં આવે છે. આ તફાવતના કારણે આગામી દાયકાઓમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે, વર્ષ 2020માં વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા આશરે 2.27 અબજ અને મુસ્લિમોની સંખ્યા 2.02 અબજ હતી. જોકે, આગામી વર્ષોમાં આ અંતર ઘટવાની શક્યતા છે. પ્યુ રિસર્ચના અંદાજ પ્રમાણે 2035 સુધીમાં મુસ્લિમોની વસ્તી વધીને 2.57 અબજ થઈ શકે છે, જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા 2.52 અબજ રહેવાની ધારણા છે. એટલે કે 2035 સુધીમાં મુસ્લિમો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમુદાય બની શકે છે. આ જ વલણ ચાલુ રહેશે તો 2070 સુધીમાં મુસ્લિમોની વસ્તી 3.6 અબજને પાર કરી શકે છે, જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા 3 અબજની નજીક પહોંચવાની શક્યતા છે.
2020થી 2070 વચ્ચે વિશ્વની કુલ વસ્તીમાં આશરે 29% વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં લગભગ 80%નો વધારો થઈ શકે છે, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તીમાં આશરે 30% વૃદ્ધિ થવાની સંભાવના છે. અન્ય ધાર્મિક સમુદાયોની સરખામણીએ આ બંને મોટા સમુદાયોની વસ્તી વૃદ્ધિ વધુ રહેવાની ધારણા છે. ખાસ કરીને મુસ્લિમ સમુદાયની યુવા વસ્તી અને ઊંચા જન્મદરને કારણે આ પરિવર્તન જોવા મળી શકે છે.
દેશવાર આંકડાઓમાં સૌથી મહત્વપૂર્ણ અનુમાન ભારત અને પાકિસ્તાનને લગતું છે. પ્યુ રિસર્ચના અહેવાલ પ્રમાણે, વર્ષ 2070 સુધીમાં પાકિસ્તાન ઇન્ડોનેશિયાને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની શકે છે. હાલમાં મુસ્લિમ વસ્તીની દૃષ્ટિએ ભારત બીજા ક્રમે છે, પરંતુ 2070 સુધીમાં પાકિસ્તાન પ્રથમ અને ભારત બીજા સ્થાને રહેવાની શક્યતા છે. નાઈજીરિયા ત્રીજા અને ઇન્ડોનેશિયા ચોથા ક્રમે આવી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં મુસ્લિમ વસ્તી 2020ના આશરે 227 મિલિયનથી વધીને 2070 સુધીમાં 461 મિલિયન થઈ શકે છે.
આ તમામ આંકડા પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા રજૂ કરાયેલા વસ્તી વિષયક અંદાજો છે, નક્કર ભવિષ્યવાણી નહીં. તેમાં જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, વયરચના અને ધર્મ પરિવર્તન જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આગામી દાયકાઓમાં આ પરિબળોમાં ફેરફાર થાય તો વાસ્તવિક આંકડાઓ પણ બદલાઈ શકે છે.
હિન્દુ, બૌદ્ધ અને યહૂદી સમુદાયની સ્થિતિ શું રહેશે?
પ્યુ રિસર્ચના અંદાજ પ્રમાણે, હિન્દુ અને યહૂદી સમુદાયોની કુલ વસ્તીમાં વધારો થઈ શકે છે, પરંતુ વૈશ્વિક વસ્તીમાં તેમનો ટકાવારી હિસ્સો ઘટવાની અથવા યથાવત્ રહેવાની શક્યતા છે. બીજી તરફ, બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો થવાનો અંદાજ છે. ખાસ કરીને ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ઘટતો જન્મદર અને વૃદ્ધ થતી વસ્તી આ પરિવર્તનનાં મહત્વનાં કારણો છે. 2070 સુધીમાં વિશ્વની કુલ વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 2020ના 14.9%થી ઘટીને 13.6% થઈ શકે છે, જ્યારે બૌદ્ધોનો હિસ્સો 4.1%થી ઘટીને 2.5% થવાની આગાહી છે.
અમેરિકામાં ખ્રિસ્તીઓની બહુમતી ઘટશે, બિનધાર્મિક લોકો વધશે
રિપોર્ટમાં પશ્ચિમી દેશોની ધાર્મિક સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. અમેરિકામાં ખ્રિસ્તીઓની વસ્તીનું પ્રમાણ ઘટીને 2070 સુધીમાં 48% થઈ શકે છે, જ્યારે કોઈ ધર્મ સાથે જોડાયેલા ન હોય તેવા લોકોની સંખ્યા વધીને 41% સુધી પહોંચવાનો અંદાજ છે. કેનેડા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં પણ ખ્રિસ્તી વસ્તીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે છે. આ પરિવર્તન પાછળ ધાર્મિક ઓળખમાં ફેરફાર, જન્મદર અને વસ્તીની વયરચના જેવા પરિબળો જવાબદાર માનવામાં આવે છે.
નવજાત બાળકોના જન્મમાં મુસ્લિમ સમુદાય આગળ
2020થી 2025 દરમિયાન વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયમાં અંદાજે 252 મિલિયન બાળકોનો જન્મ થયો હતો, જ્યારે ખ્રિસ્તી સમુદાયમાં આશરે 208 મિલિયન બાળકો જન્મ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે મુસ્લિમ સમુદાયમાં જન્મદર અન્ય મોટા ધાર્મિક સમુદાયોની સરખામણીએ ઊંચો છે. નિષ્ણાતોના મતે, આગામી દાયકાઓમાં પણ આ પરિબળ વૈશ્વિક ધાર્મિક વસ્તીના સમીકરણોને અસર કરતું રહેશે.
આફિકાની જનસંખ્યામાં થશે વિસ્ફોટ
પ્યુના આંકડા મુજબ આવનારા દાયકાઓમાં દુનિયાની મોટાભાગનો જનસંખ્યા વધારો આફ્રીકામાં, ખાસ કરીને સહારા રણના દક્ષિણવાળા ભાગમાં થાય એવી ધારણા છે. આ વિસ્તારોમાં મોટાભાગે ખ્રિસ્તી કે મુસલમાન છે. વિસ્તારમાં ઉચ્ચ પ્રજનન દર અને વધતી જીવન પ્રત્યાશાના કારણે આ બંને ધર્મોના લોકોની વૈશ્વિક સંખ્યામાં વધારો થશે એવી ધારણા છે. વર્ષ 2070 સુધી દુનિયાના અડધાથી વધુ ખ્રિસ્તી ઉપ સહારા આફ્રિકામાં રહેતા હશે. કોંગો, અમેરિકાને પાછળ છોડીને સૌથી વધુ ખ્રિસ્તીવાળો દેશ બની જશે જ્યાં ખ્રિસ્તીઓની સંખ્યા ત્રણગણાથી પણ વધીને 299 મિલિયન થઈ જશે. અન્ય પ્રમુખ ક્ષેત્રોની વસ્તીમાં કાં તો ખુબ ધીમી ગતિથી વધારો થશે અને કાં તો તેમાં ઘટાડો આવશે.
નાસ્તિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
પ્યુના જણાવ્યાં અનુસાર ચીનને બાદ કરતા દુનિયામાં 2070 સુધી કોઈ પણ ધર્મને ન માનનારા એટલે કે નાસ્તિકોની સંખ્યામાં 18 ટકોડ (180 મિલિયન)થી વધુનો વધારો થશે. ચેક ગણરાજ્ય, જાપાન, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઉરુગ્વે, વિયેતનામ સહિત 10 દેશોમાં નાસ્તિકોની વસ્તી પહેલેથી બહુમતમાં છે. 2070 સુધીમાં દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને યુકે પણ આ યાદીમાં જોડાઈ જશે.


