જેતપુરના પાંચપીપળા નજીક ભાદર નદીમાંથી જૂનાગઢના યુવકનો મૃતદેહ મળ્યો
કલર કામ માટે ઘરેથી નીકળ્યો હતો : પુલ પરથી એક્ટિવા મળી આવ્યું: આત્મહત્યા કે અકસ્માત તે અંગે તપાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા અને કેરાળી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં એક યુવકની લાશ તરતી હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. નદીમાં મૃતદેહ હોવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ યુવકની લાશને નદીના પાણીમાંથી બહાર કાઢી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક જૂનાગઢના કુંભારવાડા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સમીર શેખ હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત, પોલીસ તપાસ દરમિયાન ભાદર નદીના પુલ પરથી મૃતક યુવકનું એક્ટિવા સ્કૂટર પણ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
પોલીસે આ ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોના કથન મુજબ, સમીર છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરેથી કલર કામ કરવા માટે જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
હાલ ઉદ્યોગનગર પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. યુવકે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે કે પછી તેના મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે હાલ પોલીસ તપાસનો વિષય બન્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


