વાતાવરણમાં સતત આવતો પલટો
શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી
બે દિવસમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શકયતા : હાલ અનુભવાતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે : નલિયા ૧૧ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, રાજકોટમાં ૧પ ડિગ્રી
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તર ભારતથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે હાલમાં ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં રવિવારની રાત્રે 11 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું રહ્યું છે. જોકે, હવામાન વિભાગના મતે આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થતાં ઠંડીના જોરમાં આંશિક ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ઉત્તર ભારત તરફથી સતત ફૂંકાઈ રહેલા ઠંડા પવનોના પ્રભાવ હેઠળ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર અચાનક વધી ગયું છે. આ ઠંડા પવનોને કારણે નાગરિકોને વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારની રાત્રિના આંકડા પર નજર કરીએ તો કચ્છના નલિયામાં સૌથી નીચું 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જેના કારણે તે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે.
નલિયા ઉપરાંત રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં પણ ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ડાંગ, પોરબંદર અને ડીસા સહિતના શહેરોમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું, જે દર્શાવે છે કે ઠંડીની અસર માત્ર કચ્છ પૂરતી સીમિત નથી પરંતુ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્યના ભાગોમાં પણ પ્રસરી છે. બીજી તરફ, અમદાવાદમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે આ સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે, જેમાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગે તાપમાનમાં થનારા ફેરફાર અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગના મત મુજબ, આગામી બે દિવસમાં ગુજરાતના લઘુતમ તાપમાનમાં તબક્કાવાર 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન છે. તાપમાનમાં થનારા આ ક્રમિક વધારાને કારણે હાલ અનુભવાઈ રહેલી તીવ્ર ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળી શકે છે.
ઉત્તર ભારતના ઠંડા પવનોથી સર્જાયેલી કાતિલ ઠંડી વચ્ચે આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. અમદાવાદમાં પારો 17 ડિગ્રી આસપાસ પહોંચવાથી ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ તાપમાનના આ બદલાવ વચ્ચે નાગરિકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જરૂરી રહેશે.
હવામાન વિભાગનું નરોવા-કુંજરવા જેવી આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના નાગરિકોએ હજુ વધુ તીવ્ર ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં હજુ વધુ ઘટાડો નોંધાશે. ખાસ કરીને અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ઘટીને 14 ડિગ્રીથી પણ નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઠંડા પવનોની ગતિ વધવાથી રાત્રિના સમયે ઠાર વધશે, જે રવી પાક ખાસ કરીને ઘઉં, જીરું અને ચણાની ખેતી કરતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.


