રાજકોટમાં ફાયર સેફ્ટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ
૮ મહિનામાં ૨,૩૭૪ ઇમારતોને નોટિસ, ૬૪ સ્થળોની NOC પૂરી છતાં રિન્યુ કરવામાં આળસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડના ઘા હજુ શહેરીજનોના મનમાંથી ભૂંસાયા નથી, ત્યાં શહેરમાં આગની સુરક્ષા વ્યવસ્થા અંગે અત્યંત ગંભીર અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા ૮ મહિના દરમિયાન શહેરના વિવિધ વોર્ડમાં હાથ ધરાયેલી તપાસમાં અધધ ૨,૩૭૪ ઇમારતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું ખુલ્યું છે, જેને પગલે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સંચાલકોને નોટિસ ફટકારી તાકીદ કરવામાં આવી છે. બીજીતરફ ૬૪ સ્થળોની એનઓસી (NOC) પૂરી થઈ ગઈ હોવા છતાં બિલ્ડિંગ ધારકો રિન્યુ કરાવવામાં આળસ દાખવી રહ્યા છે.
શહેરની ફાયર સેફ્ટીની વાસ્તવિકતા હાલમાં જ મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં સપાટી પર આવી હતી. વોર્ડ નં. ૧૭ના નગરસેવક કૌશિક ટાંકે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં કેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાયો અને તંત્રએ શું પગલાં લીધાં તે અંગે સત્તાવાર વિગતો માંગી હતી. જેના જવાબમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે આ આંકડા રજૂ કર્યા હતા.
છેલ્લા ૮ મહિનાની કામગીરીના આંકડા મુજબ, ૫૦થી વધુ લોકો એકત્ર થતા હોય તેવી ઇમારતો પર ખાસ નજર રખાઈ રહી છે, તેમ છતાં માત્ર ૨૫૫ પ્રિમાઇસીસને જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળી શક્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ૫૦થી વધુ લોકોની અવરજવર ધરાવતી ૬૨ ઇમારતો એવી મળી આવી છે જેમની ફાયર NOCની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જવાબદારોએ તેને રિન્યુ કરાવવાની દરકાર લીધી નથી.
શાળા-કોલેજો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો અને કોમર્શિયલ સંકુલોમાં ફાયર સેફ્ટીના છીંડા બહાર આવતા નાગરિકોની સલામતી સામે ગંભીર સવાલ ઊભો થયો છે. બીજીતરફ મર્યાદિત સ્ટાફના કારણે ફાયર વિભાગ માટે શહેરની દરેક ઇમારત સુધી સમયસર પહોંચવું અને નિયમિત દેખરેખ રાખવી મોટો પડકાર બન્યો છે, જેના કારણે કડક કાર્યવાહીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે.
કઈ કેટેગરીમાં કેટલી નોટિસ અપાઈ?
- અસેમ્બલી બિલ્ડિંગ: ૫૪૪
- કોમર્શિયલ: ૫૧૯
- કોમર્શિયલ અને રેસીડેન્સીયલ: ૪૯૪
- એજ્યુકેશન (શૈક્ષણિક સંસ્થાઓ): ૩૯૯
- રેસીડેન્સીયલ (રહેણાંક): ૩૪૮
- રિલીજીયસ (ધાર્મિક સ્થળો): ૭૭
- હોસ્પિટલ: ૪૪
- સ્ટોરેજ: ૧૫
- હેઝાર્ડિયસ (જોખમી સામગ્રી ધરાવતા સ્થળો): ૪


