પશ્ચિમ રેલવેના નવા મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે અરુણ કુમાર મીણાએ પદભાર સંભાળ્યો
2014 બેચના IRTS અધિકારી અને IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી; રેલ પરિચાલન અને વાણિજ્યિક કામગીરીનો બહોળો અનુભવ
અગ્ર ગુજરાત, મુંબઈ/રાજકોટ
ભારતીય રેલ યાતાયાત સેવા (IRTS) ના 2014 બેચના વરિષ્ઠ અધિકારી અરુણ કુમાર મીણાએ ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પશ્ચિમ રેલવેના નવા મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.
પ્રતિષ્ઠિત IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહેલા મીણાએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech) અને માસ્ટર ઓફ ટેકનોલોજી (M.Tech)ની બેવડી (ડ્યુઅલ) ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ રેલ પરિચાલન અને વાણિજ્યિક પ્રવૃત્તિઓના વિવિધ પાસાઓના સંચાલનનો સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે.
નવી જવાબદારી સંભાળતા પહેલાં તેઓ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક તરીકે કાર્યરત હતા. અગાઉના કાર્યકાળ દરમિયાન તેમણે અમદાવાદ ડિવિઝન (પશ્ચિમ રેલવે): વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક (સામાન્ય), મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન (પશ્ચિમ રેલવે): મંડળ વાણિજ્ય પ્રબંધક (FM), મંડળ પરિચાલન પ્રબંધક અને સહાયક પરિચાલન પ્રબંધક (M), માલદા ડિવિઝન (પૂર્વ રેલવે): સહાયક વાણિજ્ય પ્રબંધકના મહત્વપૂર્ણ પદો પર સફળતાપૂર્વક ફરજ બજાવી છે.
અરુણ કુમાર મીણાને તેમની અનુકરણીય સેવા અને ફરજ પ્રત્યેના સમર્પણ બદલ પ્રતિષ્ઠિત મહાપ્રબંધક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોતાની વ્યાવસાયિક અને વહીવટી જવાબદારીઓ ઉપરાંત, તેઓ રમતગમતમાં પણ ઊંડો રસ ધરાવે છે.


