‘ફૂલછાબ’ આયોજિત મોરારિબાપુની રામકથાની મંગલ પૂર્વભૂમિકા; મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કથા કાર્યાલય ખુલ્લું મુકાયું
તા.૯થી ૧૭ જાન્યુઆરી, દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાશે કથા; સૌરાષ્ટ્ર ટ્રસ્ટના રૂ. ૧,૦૦૦ કરોડના મહત્વાકાંક્ષી શૈક્ષણિક પ્રકલ્પ ‘વિદ્યાવૃક્ષ’નો થશે પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રના ૧૦૬ વર્ષ જૂના લોકપ્રિય દૈનિક ‘ફૂલછાબ’ (સૌરાષ્ટ્ર ટ્રસ્ટ – જન્મભૂમિ અખબાર જૂથ) દ્વારા વર્ષ ૨૦૨૭ના આરંભે રાજકોટના આંગણે પૂજ્ય મોરારિબાપુના શ્રીમુખે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાની મંગલ પૂર્વભૂમિકા રૂપે તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે કથાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો દ્વારા બેન્ડની સુરાવલી વડે ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
કાર્યલયના ઉદઘાટના પ્રસંગે મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે ફૂલછાબ રાજકોટ-સૌરાષ્ટ્રનું જૂનું અને પ્રતિષ્ઠિત દૈનિક છે, જે બ્રેકિંગ ન્યૂઝની હોડમાં પડ્યા વિના સત્યને વરેલા અને સમાજને ઉપયોગી સમાચારોને જ પ્રાધાન્ય આપે છે. લોકશાહીને જીવંત રાખવામાં ફૂલછાબ અને તેના ટ્રસ્ટીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે; ત્યારે મોરારિબાપુની કથાનું આયોજન એ ‘સોનામાં સુગંધ’ સમાન છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે સમાજ ઉપયોગી કાર્યો, પાણી વિતરણ, વૃક્ષારોપણ અને ગાયોના ઘાસચારા જેવી પ્રવૃત્તિઓમાં ફૂલછાબ હંમેશાં અગ્રેસર રહ્યું છે. તેમણે તમામ શહેરીજનોને આ કથામાં અન્ન, મન અને ધનથી જોડાવા અનુરોધ કર્યો હતો.
‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબાએ વિગતો આપતાં જણાવ્યું કે, ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ફૂલછાબ એવોર્ડ સમારોહમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના અનુરોધને બાપુએ સ્વીકાર્યો હતો અને જૂન ૨૦૨૬માં કથાની તારીખ જાહેર કરી હતી.
આ રામકથા શનિવાર, તા. ૯ જાન્યુઆરીથી રવિવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. દરરોજ કથા બાદ ભોજન પ્રસાદ તથા સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. રામકૃષ્ણ મિશન, રાજકોટને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે આ સંસ્થા પણ કથામાં આધ્યાત્મિક સહયોગી તરીકે જોડાઈ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના અંતરિયાળ ગામડાંઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળકોને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જેવી આધુનિક સુવિધાઓનો લાભ આપવા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડના બજેટનો ‘વિદ્યાવૃક્ષ’ પ્રકલ્પ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેનો પ્રારંભ આ કથાથી થશે. આ માટે સમાજના શ્રેષ્ઠિઓને પણ જોડાવા ટ્રસ્ટ દ્વારા આહ્વાન કરાશે. સૌ ટ્રસ્ટીગણના માર્ગદર્શનમાં ફૂલછાબ, જન્મભૂમિ અને કચ્છમિત્રની ટીમ તથા સહયોગી સંસ્થાઓ તૈયારીઓમાં જોડાઈ છે.
કથા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મેયર ડૉ. નેહલ શુક્લ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રામકૃષ્ણ આશ્રમના સંત જગદીશ સ્વામી તથા સ્વામી મેઘજાનંદજી, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, કોર્પોરેટર ઘનશ્યામ હેરભા, ભાજપ મહિલા મોરચાના અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત, બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, કરુણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, સદ્ભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, વીરપુર જલારામ પરિવારના ભરતભાઈ ચાંદ્રાણી, સામાજિક અગ્રણી યોગિનભાઈ છનિયારા, શિવશક્તિ ડેરીના જગદીશ અકબરી, ઉદ્યોગપતિ હરિસિંઘ સુતારિયા, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રુપના વિનયભાઈ જસાણી, આત્મીય યુનિવર્સિટીના પ્રતિનિધિ જીજ્ઞેશભાઈ રાઠોડ, ગીતાંજલી કોલેજના શૈલેષભાઈ જાની, ભદ્રાયુ વચ્છરાજાણી, જીમી અડવાણી, અરુણ નિર્મલ, રાજુ યાજ્ઞિક, અનુપમ દોશી, અશ્વિનભાઈ લોઢિયા અને હબીબભાઈ કટારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


