ઓસમ પર્વત પર રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
૧૪થી ૧૮ વર્ષના ભાઈઓ-બહેનો જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે; ડિસેમ્બર સુધીમાં અરજી કરવા સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્યના સંચાલન હેઠળ રાજ્યકક્ષાની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત ખાતે યોજાનારી આ સ્પર્ધામાં જુનિયર ભાઈઓ અને બહેનો એમ બે વિભાગમાં સ્પર્ધકો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વયમર્યાદા ધરાવતા ભાઈઓ અને બહેનો સામેલ થઈ શકશે. સ્પર્ધકોની વયમર્યાદા તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ની સ્થિતિએ ગણવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. પાત્રતા ધરાવતા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત ખાતે સ્વખર્ચે પહોંચવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન સ્પર્ધકો માટે રહેવા તથા ભોજનની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવશે.
ગુજરાતના ઇડર, પાવાગઢ, ચોટીલા અને ગિરનાર ખાતે યોજાતી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૬-૨૭માં જુનિયર કક્ષાએ ભાગ લેનારા સ્પર્ધકો ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. ઓસમ સ્પર્ધામાં પ્રથમથી દસમો ક્રમ પ્રાપ્ત કરનારા ભાઈઓ અને બહેનોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ આપવામાં આવશે.
રાજ્યકક્ષાની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનોએ નિયત નમૂનાનું અરજીપત્રક સંપૂર્ણ વિગતો સાથે ભરીને જરૂરી આધાર-પુરાવા જોડવાના રહેશે. અરજીપત્રક રૂબરૂ અથવા ટપાલ મારફતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે તા. ૦૫ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાનું રહેશે.
અરજીપત્રકમાં અધૂરી વિગતો ધરાવતી અરજીઓ તેમજ નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેથી સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક પાત્ર ઉમેદવારોએ સમયમર્યાદામાં સંપૂર્ણ વિગતો અને જરૂરી આધાર-પુરાવા સાથે અરજી મોકલવા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેષ દિહોરાની યાદીમાં જણાવાયું છે.


