રૂ. ૧૨૯ કરોડના ખર્ચે નિર્માણાધીન ત્રંબા પમ્પિંગ હાઉસની મુલાકાત લેતા ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણના ૪૧ ગામોના ૪૩ ચેકડેમ-તળાવો ભરાશે; ૨૧,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતા સર્જાશે હરિયાળી ક્રાંતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના ૪૧ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે રૂ. ૧૨૯ કરોડના ખર્ચે હાથ ધરાયેલી સૌની યોજનાની કામગીરી હવે આખરી તબક્કામાં પહોંચી છે. આ કામગીરીના અનુસંધાને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ આજે ભાજપના સ્થાનિક આગેવાનો સાથે ત્રંબા ખાતે નિર્માણાધીન પમ્પિંગ હાઉસની પ્રત્યક્ષ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ લાભાન્વિત થનારા ૪૧ ગામો પૈકી મોટાભાગના ગામોમાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. મુલાકાત દરમિયાન તેમણે ત્રંબા ખાતે આકાર લઈ રહેલા આ અતિ મહત્વના પમ્પિંગ હાઉસની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સી સાથે બેઠક કરી જરૂરી વિગતો મેળવી હતી.
આ યોજના પૂર્ણ થવાથી ત્રણેય તાલુકાના ૪૩ જેટલા ચેકડેમ અને તળાવો પાણીથી ભરાશે, જેનાથી કુલ ૨૧,૦૦૦ હેક્ટર (અંદાજે ૫૧,૯૦૦ એકર) જમીન સિંચાઈથી સમૃદ્ધ બનશે અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે. યોજના હેઠળ રાજકોટ તાલુકાના ૩૦ ગામો, કોટડા સાંગાણી તાલુકાના ૮ ગામો, જસદણ તાલુકાના ૩ ગામો મળી કુલ ૪૧ ગામોને લાભ થશે.


