શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ: ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે
‘કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ’ ખાતે આયોજન; નવયુગલોને કરિયાવર અને ઉત્તમ સુવિધાઓ અપાશે
સમૂહ લગ્નને સફળ બનાવવા કારોબારી કમિટી અને યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ; જ્ઞાતિજનોને સહભાગી થવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
સામાજિક ઉત્થાન અને સહયોગની ભાવના સાથે રાજકોટમાં વાંઝા જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નોત્સવની પરંપરાને આગળ ધપાવવામાં આવી રહી છે. શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ – રાજકોટના ઉપક્રમે આગામી તારીખ ૨૨-૧૧-૨૦૨૬, રવિવારના રોજ છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિના ૧૦ યુગલો પ્રભુતામાં પગલાં માંડીને નવા જીવનની શરૂઆત કરશે.
આ સેવાકીય કાર્ય અંતર્ગત મંડળ દ્વારા નવયુગલો માટે કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ (સેન્ટ્રલ એસી), આકાશવાણી ચોક, એસ.એન.કે. (SNK) સ્કૂલ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મંડળ દ્વારા દરેક નવદંપતીને ઉપયોગી કરિયાવર ભેટ આપવામાં આવશે તેમજ સંપૂર્ણ એસી હોલમાં લગ્નવિધિ અને ભોજનની સુવિધા ગોઠવવામાં આવી છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિના દાતાઓ, કાર્યકરો અને શુભેચ્છકો તરફથી ઉત્સાહભેર સહકાર મળી રહ્યો છે. સમૂહ લગ્ન સમિતિ, કારોબારી કમિટી અને યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમ અંગેની વિગતો અને માહિતી આપવા માટે ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયે સમૂહ લગ્ન સમિતિના સુરેશભાઈ ચાવડા (પ્રમુખ, સમૂહ લગ્ન સમિતિ), મિલાપભાઈ ચાવડા (પૂર્વ પ્રમુખ, વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ), ભરતભાઈ એમ. વઢવાણા (પ્રમુખ), સતિષભાઈ એસ. સિકોતરા (મંત્રી), દિવ્યેશભાઈ જે. પરમાર (ખજાનચી), કેતનભાઈ હાપલીયા (સભ્ય), રાજ સિકોતરા (સભ્ય, યુવક મંડળ) અગ્રણીઓએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મંડળ દ્વારા રાજકોટ તથા સમગ્ર વિસ્તારના જ્ઞાતિજનો અને શુભેચ્છકોને આ પુણ્યકાર્યમાં સહભાગી બની નવયુગલોને હાર્દિક આશીર્વાદ પાઠવવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.


