ઉનાના દેલવાડામાં મતદાર યાદીનો વિવાદ ગરમાયો: 1,318 લોકોના વોર્ડ બદલાતા ખળભળાટ
પૂર્વ સરપંચ વિજયભાઈ બાંભણિયાએ ચોક્કસ રાજકીય આગેવાનોના ઈશારે ષડયંત્ર રચાયાની આશંકા વ્યક્ત કરી; ઉપસરપંચ સબીરશા બાનવા એ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ ઘટાડવાનો પ્રયાસ ગણાવ્યો
મામલતદાર કચેરીમાં રજૂઆત દરમિયાન વિજયભાઈ અને મામલતદાર વચ્ચે ચકમક; વાંધાઓની યોગ્ય તપાસ કરી નિર્ણય લેવાની ખાતરી
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના દેલવાડા ગ્રામ પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી-2026 પહેલાં જાહેર થયેલી નવી પ્રાથમિક મતદાર યાદીને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ભારે વિવાદ ઊભો થયો છે. વર્ષ 2025ની જૂની મતદાર યાદી અને નવી પ્રાથમિક યાદીની સરખામણીમાં અનેક વિસ્તારોના મતદારોના વોર્ડ બદલાયા હોવાની રજૂઆતો સામે આવતાં ગામમાં ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. પૂર્વ સરપંચ અનેભાજપનાઅગ્રણી વિજયભાઈ બાંભણિયા, વર્તમાન ઉપસરપંચ હાજી શબ્બીરશા સબીરશા બાનવાએ મતદારોની ફાળવણી સામે ગંભીર સવાલો ઉઠાવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
આ વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો છે જ્યારે વિજયભાઈ બાંભણિયાએ 18 નવેમ્બર, 2026ના રોજ નવી મતદાર યાદી સામે 21 મુદ્દાઓ સાથે લેખિત વાંધા અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને 19 નવેમ્બરે ઉના મામલતદાર અને નિર્દિષ્ટ સત્તાધિકારી દ્વારા જૂની વર્ષ 2025ની મતદાર યાદી તથા નવી પ્રાથમિક યાદીની ખરાઈ કરવામાં આવી હોવાનો લેખિત જવાબ આપવામાં આવ્યો હતો. તેમાં જૂના વોર્ડ નંબર 1થી 16ના કુલ 1,318 મતદારો અન્ય વોર્ડમાં સમાવાયા હોવાની વિગતોનો ઉલ્લેખ કરાયો હતો. અરજીના 21 મુદ્દાઓની ચકાસણીકરીજોડાયેલા પત્રકમાં દર્શાવેલી હકીકતો અને અભિપ્રાય મુજબ યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ ઘટનાક્રમ બાદ દેલવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીરશા બાનવાએ 20 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સમક્ષ વિસ્તૃત વાંધા અરજી પાઠવી હતી.તેમાંજૂની અને નવી યાદીની નામવાર, વિસ્તારવાર તથા વોર્ડવાર સરખામણી કરવાની માગ કરવામાં આવી છે.
ઉપસરપંચની રજૂઆત મુજબ લુહાર શેરી, વાણીયા શેરી, બ્રાહ્મણ શેરી, મચ્છી માર્કેટ, વડ ફળિયા, ઝાલોરી ફળિયા, વોરાવડ ફળિયા, બારવાડ ફળિયા, પોસ્ટ ઓફિસ વિસ્તાર, દાવલતા શેરી, જૂની મચ્છી માર્કેટ, નગાજણ-મકરાણી શેરી, ડાભી-મોચી ફળિયા, જમાદાર શેરી, હજામ શેરી, માર્કેટ વિસ્તાર, શેરઘા, ખંઢેરા રોડ, કાજી કોલોની, નગારા સોસાયટી અને ચોરખાણ સહિતના વિસ્તારોના મતદારોની નવી યાદીમાં અલગ-અલગ વોર્ડમાં ફાળવણી કરવામાં આવી છે.રજૂ કરાયેલા પત્રકમાં કેટલાક વિસ્તારોમાં જૂની અને નવી યાદી વચ્ચે મતદારોની સંખ્યામાં પણ તફાવત દર્શાવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, લુહાર શેરીમાં જૂની યાદીના 66 મતદારોની સામે નવી યાદીમાં 54 મતદારો દર્શાવાયા છે. વાણીયા શેરીમાં 139ની સામે 134, જ્યારે મચ્છી માર્કેટ અને વડ ફળિયામાં 27ની સામે 25 મતદારો નોંધાયા હોવાનું જણાવાયું છે. બીજી તરફ ઝાલોરી ફળિયા અને વોરાવડ ફળિયામાં જૂના 65 મતદારોની સામે નવા વોર્ડમાં 97 મતદારો દર્શાવાયા છે.
દાવલતા શેરી અને જૂની મચ્છી માર્કેટ વિસ્તારમાં જૂના 194ની સામે નવા 216 મતદારો, જ્યારે ડાભી ફળિયા અને મોચી ફળિયામાં જૂના 178ની સામે નવા 112 મતદારો દર્શાવાયા હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. આ તફાવત પાછળ અન્ય વિસ્તારના મતદારોની ફાળવણી જવાબદાર છે કે યાદીમાં કોઈ ભૂલ થઈ છે તે જાણવા નામ અને મતદાર ઓળખપત્ર નંબરના આધારે તપાસ કરવાની માગ છે.
ખાસ કરીને જૂના વોર્ડ નંબર 14ની કાજી કોલોની અને નગારા સોસાયટીના મતદારો નવા વોર્ડ નંબર 6, 7, 8 અને 9માં વહેંચાયા હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. એક જ જૂના વોર્ડના મતદારોને ચાર અલગ-અલગ વોર્ડમાં સમાવવાના નિર્ણય પાછળ કયા ભૌગોલિક માપદંડ અપનાવાયા તે અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.
નવી મતદાર યાદીમાં વોર્ડ નંબર 6થી 16 સુધી ભાગ નંબર 203થી 210ની ગોઠવણી અંગે પણ સવાલો ઊઠ્યા છે. રજૂઆત મુજબ વોર્ડ નંબર 6માં ભાગ નંબર 203 અને 208, વોર્ડ નંબર 7માં 204 અને 208, વોર્ડ નંબર 9માં 205 અને 208 તથા વોર્ડ નંબર 10માં 205 અને 206નો સમાવેશ થાય છે. અન્ય વોર્ડમાં પણ એકથી વધુ ભાગ નંબરો જોડવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરાઈ છે.એક જ વિસ્તારના મતદારો અલગ-અલગ ભાગમાં વહેંચાયા છે કે કેટલાક મતદારોને તેમના રહેઠાણથી આશરે બે કિલોમીટર દૂરના મતદાન મથક સાથે જોડવામાં આવ્યા છે તેની નકશા સહિત તપાસ કરવાની માગ કરાઈ છે.
પૂર્વ સરપંચ અને ઉપસરપંચ દ્વારા અલગ-અલગ રજૂઆતો
એક તરફ 1,318 મતદારોના વોર્ડ પરિવર્તન નો મામલો વહીવટી ખરાઈના લેખિત જવાબમાંનોંધાયો છે, તો બીજી તરફ મતદારોની સંખ્યા અને દૂરના મતદાન મથકો અંગે પણ જુદા આંકડા રજૂ થયા છે. હવે ચૂંટણી તંત્રની તપાસમાં વોર્ડ ફેરફાર પાછળનાં કારણો, યાદી તૈયાર કરવાની પ્રક્રિયા અને મતદારોને થયેલી અસર અંગે શું હકીકત બહાર આવે છે તેના પર સમગ્ર ગામની નજર મંડાઈ છે.


