ખંઢેરી સ્ટેડિયમ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી શિક્ષકનું કરુણ મોત
પડધરીની શાળામાં ભણાવી બાઇક પર રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે હિટ એન્ડ રનનો બનાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-પડધરી માર્ગ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક શિક્ષકે જીવ ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પડધરીની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી બાઇક પર રાજકોટ પરત ફરી રહેલા 52 વર્ષીય શિક્ષકને અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારતાં તેઓ રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા શિક્ષકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પર પીડીએમ કોલેજથી આગળ દોશી હોસ્પિટલ પાછળ આવેલા શિવનગર-8માં રહેતા જયેશભાઈ હસમુખભાઈ જોષી (ઉ.વ.52) શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રાજકોટની એક ખાનગી શાળામાં નોકરી કરવાની સાથે પડધરીની શાળામાં પણ એક પિરિયડ ભણાવવા જતા હતા. ગત સાંજે આશરે ચાર વાગ્યાના અરસામાં પડધરીની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવીને તેઓ બાઇક પર રાજકોટ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ નજીક અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે જયેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તેમના મોબાઇલ ફોનના આધારે પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે, તબીબોના પ્રયાસો છતાં ટૂંકી સારવાર બાદ જયેશભાઈનું મૃત્યુ થયું હતું. જયેશભાઈ ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. સંતાનમાં તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે. પરિવારનું ભરણપોષણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અને શિક્ષક તરીકે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતા જયેશભાઈના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના પિતાજી નિવૃત્ત રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે. એક તરફ ઘરમાં ત્રણ સંતાનોના માથે પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે, તો બીજી તરફ પરિવારજનોએ સ્વજન ગુમાવતાં ભારે આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા પડધરી પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


