વલભીપુરના ખારીપાટના ઢાળીએ ગૌવંશનું માથું કાપી ગામમાં ફેંકતા ચકચાર
સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ભારે રોષ; આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ
અગ્ર ગુજરાત, વલભીપુર
વલભીપુરના ખારીપાટના ઢાળીયા વિસ્તારમાં અડધી રાત્રે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ગાયનું માથું કાપીને ગામમાં ફેંકી જવાનું ક્રૂર કૃત્ય આચરવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશો તેમજ ગૌપ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
રાત્રિના અંધકારનો લાભ લઈને કોઈ શખ્સોએ આ અમાનવીય કૃત્યને અંજામ આપ્યો હતો. સવારે આ બાબત ધ્યાને આવતા જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. ભારતીય સંસ્કૃતિમાં જે ગાયને માતા સમાન પૂજવામાં આવે છે અને જેની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, તેની સાથે આ પ્રકારની ક્રૂરતા આચરનારા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેવો સુર ગ્રામજનોમાંથી ઉઠ્યો છે.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર સમાજની આસ્થા, માનવતા અને સામાજિક શાંતિનો પ્રશ્ન છે. જો આવા તત્વો સામે અત્યારે કડક અવાજ ઉઠાવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે.
ગ્રામજનો અને ગૌપ્રેમીઓએ માગ કરી છે કે, આઘટનાની તંત્ર દ્વારા તટસ્થ, નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, આ ક્રૂર કૃત્ય આચરનારા જવાબદાર આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી તેમની સામે દાખલારૂપ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પંથકમાં સામાજિક શાંતિ, ભાઈચારો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી પેટ્રોલિંગ અને કડક પગલાં લેવામાં આવે.
સ્થાનિક આગેવાનો અને ગૌપ્રેમીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સમાજ હિંસા નહીં પરંતુ કાયદાકીય રીતે ન્યાય ઈચ્છે છે. ગુનો કરનાર કોઈ પણ વ્યક્તિ હોય, તેને કાયદાના દાયરામાં રહીને સખત સજા મળવી જ જોઈએ. હાલ સમગ્ર મામલે વલભીપુર પંથકમાં ન્યાયની માંગ સાથે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.


